Amreli News: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માણસો પર સિંહોના હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે નાની કુંકાવાવ ગામે લાંબાપદર રોડ નજીકની એક વાડીમાં સવારે ખેતી કામ કરી રહેલા એક મજૂર પર સિંહણે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલામાં ખેતમજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
ખેત મજૂર પર સિંહણે હુમલો કર્યો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, નાની કુંકાવાવ ગામ નજીકની એક વાડીમાં વહેલી સવારે સોયાબીનના પાકમાં નિંદામણનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સવારના આશરે નવેક વાગ્યે ખેત મજૂર સનિયાભાઈ પોતાનું રોજિંદુ કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુના કપાસના ખેતરમાં એક સિંહણે અચાનક મજૂર પર હુમલો કરી દીધો હતો. સિંહણે મજૂરને જમીન પર પાડી દેતાં તેનો જીવ તાળવે ચોંટ્યો હતો.
સિંહણના હુમલામાં મજૂર ઈજાગ્રસ્ત
સિંહણના હુમલાથી મજૂરે ચીસો પાડતાં વાડીમાલિક ગોકળભાઈ સિંગાળા ત્યાં દોડી આવ્યા હતા. વાડીમાલિક સહિત આસપાસના લોકોએ સિંહણને પડકારતાં સિંહણ અને સિંહ મજૂરને છોડીને ભાગી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
ખેડૂતોએ સિંહણને પાંજરે પૂરવા માંગ કરી
વન વિભાગે સમગ્ર મામલો જાણીને વધુ તપાસ શરુ કરી છે. જોકે, અમરેલી અને ગીર વિસ્તારમાં માણસો પર સિંહોના હુમલાથી લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે. આથી વાડી વિસ્તારોમાં કામ કરતાં ખેડૂતોની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. ગ્રામજનો અને ખેડૂતોએ સિહણને તાત્કાલિક પાંજરે પુરવા અંગે માંગણી કરી છે.
