Jamnagar Duplicate Liquor Factory: જામનગર શહેરમાં કેમિકલ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લિકેટ દારૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકના જાણવા જોગની તપાસ દરમિયાન મધુવન સોસાયટીના એક મકાનમાંથી ડુપ્લિકેટ દારૂ ભરવા માટેની ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા અને દારૂની બોટલો ઉપર લગાવવાના સ્ટીકર સહિતનો સામાન મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં 1000 લીટર કેમિકલનો જથ્થો અગાઉ જ ગટરમાં ઢોળી નાશ કરી દેવાયો હોવાનું તથા આશરે 100 ખાલી પ્લાસ્ટિકની બોટલો સળગાવી દેવાઈ હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે.
આ પણ વાંચો
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, જામનગર શહેરના મધુવન સોસાયટી, શેરી નંબર-2, મકાન નંબર-16માં રહેતો સમન્દરસિંહ ભરતસિંહ ગુર્જર પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.
આ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. મકાન બંધ હોવાથી પંચોની હાજરીમાં તાળું તોડી અંદર પ્રવેશ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મકાનના હોલમાંથી ડુપ્લિકેટ દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાતી આશરે 750 મિલીની ખાલી પ્લાસ્ટિકની બોટલો (96) મળી આવી હતી. આ ઉપરાંત મેકડોવેલ નંબર-1, યુનાઇટેડ સ્પિરિટ્સ પ્રા.લિ., પલવલ, હરિયાણા વગેરે લખાણ ધરાવતા દારૂની બોટલના 270 ઢાંકણા મળી આવ્યા હતા.
પોલીસને વધુમાં 750 મિલીની બોટલ ઉપર લગાવવા માટેના અલગ-અલગ બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા હતા. આ સ્ટીકરો ઉપર 42.8 ટકા આલ્કોહોલ સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. આ સાથે રોયલ ચેલેન્જ ફાઇનસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની એક ખાલી કાચની બોટલ પણ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી વીજળીનું બિલ તથા સમન્દરસિંહ ભરતસિંહ ગુર્જર અને ભરતસિંહ નાગુરામ ગુર્જરના આધારકાર્ડની નકલો પણ તપાસના કામે કબજે કરી હતી. જોકે સમગ્ર તપાસમાં સૌથી મહત્વની કડી આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવી હતી.
પોલીસે સમન્દરસિંહ ભરતસિંહ ખટાણા ગુર્જરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે, આશરે ત્રણ મહિના અગાઉ તેના મિત્ર વિષ્ણુ ગુર્જર, જે રાજસ્થાનમાં રહે છે, તેની સાથે મળીને જામનગરમાં કેમિકલનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
પોલીસ તપાસ મુજબ, વિષ્ણુ ગુર્જરે મુંબઈથી એક ટ્રાન્સપોર્ટ કંપની મારફતે આશરે 1000 લીટર કેમિકલ જામનગર મોકલાવ્યું હતું. આ રસાયણ તા.15-01-2026ના રોજ સમન્દરસિંહે જામનગરમાં છોડાવ્યું હોવાનું તેમજ ડુપ્લિકેટ દારૂ ભરવા માટેની ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિવિધ બ્રાન્ડના સ્ટીકર તથા ઢાંકણા પણ વિષ્ણુ ગુર્જરે અલવરથી મોકલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે, ભાવનગર જિલ્લામાંથી નકલી દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાતા નકલી દારૂનું ઉત્પાદન માંડી વાળ્યું હતું અને દારૂ બનાવવા મંગાવેલ કેમિકલ ઢોળી નાખ્યું હતું.
સમન્દરસિંહના જણાવ્યા આધારે પોલીસે જામનગરના ગુલાબનગર-સત્યસાઇનગર વિસ્તારમાં આવેલા તેના બીજા મકાનની તપાસ કરી હતી, પરંતુ ત્યાં 1000 લીટર રસાયણનો જથ્થો મળી આવ્યો નહોતો. આ મકાનની ચાવી રીંકુસિંહ પરશુરામસિંહ કુશવાહા પાસે રહેતી હોવાનું જાણવા મળતાં પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન રીંકુસિંહે જણાવ્યું કે, મકાનમાં રાખવામાં આવેલું આશરે 1000 લીટર રસાયણ એક વાહનમાં ભરી હાપા વેલનાથ સોસાયટી ખાતે તેના રહેણાંક મકાન પાસે આવેલી ગટરમાં ઢોળી નાશ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ડુપ્લિકેટ દારૂ ભરવા માટેની આશરે 100 જેટલી ખાલી પ્લાસ્ટિકની બોટલો પણ સળગાવી નાશ કરવામાં આવી હોવાનું તેણે જણાવ્યું હતું.
રસાયણ તથા પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવ્યા બાદ પોલીસે બંને સ્થળે પંચનામું હાથ ધર્યું હતું. બે પંચોની હાજરી ઉપરાંત એફએસએલ અધિકારીને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્લાસ્ટિકની બોટલો સળગાવી નાશ કરાયેલી જગ્યાએ તપાસ કરતાં બળેલા અવશેષો મળી આવ્યા હતા. તેના જરૂૂરી નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રસાયણ ગટરમાં ઢોળવામાં આવ્યું હોવાની જગ્યાએ ગટરમાંથી રસાયણ જેવી વાસ ધરાવતું પ્રવાહી મળી આવ્યું હતું. આ પ્રવાહીના પણ જરૂરી નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર તપાસમાં સમન્દરસિંહ ભરતસિંહ ખટાણા ગુર્જર તથા વિષ્ણુ ગુર્જરે કથિત રીતે ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેનું આયોજન કરી રસાયણ, કલર, એસેન્સ, ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડના સ્ટીકર તથા ઢાંકણા મંગાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ડુપ્લીકેટ દારૂનું વાસ્તવિક ઉત્પાદન થયું હતું કે માત્ર ઉત્પાદન માટેની તૈયારી કરવામાં આવી હતી, તેમજ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
