Jamnagar Ladoo Eating Competition: જામનગરમાં ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 18 મા વર્ષે ‘ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગ્ય સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહિલા, સિનિયર સિટીઝન, યુવાન ભાઈઓ અને બાળ વિભાગ એમ ચાર અલગ-અલગ કેટેગરીમાં કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
100 ગ્રામના લાડુ ખાવાની ભવ્ય સ્પર્ધા જામી
જામનગર ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને ચોખ્ખા ઘી અને સુકામેવાથી ભરપૂર 100 ગ્રામ વજનના લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યા હતા. આ વખતે સ્પર્ધાની સમય મર્યાદા 30 મિનિટથી ઘટાડીને માત્ર 15 મિનિટ રાખવામાં આવી હોવા છતાં મહિલા વિભાગમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.
બે મહિલા 15 મિનિટમાં 15 લાડુ જાપટી ગઈ
આ સ્પર્ધા માટે 100-100 ગ્રામના અંદાજે 250 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરા અને પ્રેમિલાબેન વોરીયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. બંને મહિલા સ્પર્ધકોએ માત્ર 15 મિનિટમાં 15-15 લાડુ આરોગી જતાં બંને વચ્ચે ટાઈ થઈ હતી. જોકે, ચિઠ્ઠી ઉછાળીને પરિણામ જાહેર કરવામાં આવતાં પદ્મિનીબેન ગજેરા પ્રથમ વિજેતા બન્યા હતા.
આ કેટેગરીમાં મીનાબેન તારપરા 7 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. વિજેતા પદ્મિનીબેન ગજેરા છેલ્લા 11 વર્ષથી લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લે છે અને ગયા વર્ષે તેમણે 12 લાડુ ખાધા હતા. આ વર્ષે તેમની દીકરી અને પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારની ત્રણ પેઢીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
યુવા કેટેગરીમાં પણ બે સ્પર્ધકો વચ્ચે ટાઈ પડી
બીજી તરફ, યુવા વિભાગમાં પણ જગદીશભાઈ દવે અને પરેશભાઈ વડીયા વચ્ચે 9-9 લાડુ ખાઈને ટાઈ થઈ હતી. જેમાં ચિઠ્ઠી દ્વારા જગદીશભાઈ દવેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, અને અલ્પેશ સોલંકી 8 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. વધુમાં, બાળકોની કેટેગરીમાં વિજેતા થયેલા બાળકે પણ 7 લાડુ આરોગ્ય હતા.
ચારેય કેટેગરીના પ્રથમ વિજેતાનું લિસ્ટ
મહિલા વિભાગ: પદ્મિનીબેન ગજેરા (15 લાડુ)
સિનિયર સિટીઝન વિભાગ: ગંભીરિસિંહ વાળા (12 લાડુ)
યુવા વિભાગ: જગદીશભાઈ દવે (9 લાડુ)
બાળ વિભાગ: વ્યોમ વ્યાસ (7 લાડુ)
