પ્રશાંત ગજ્જર, Ajwa Dam Water Level: ચાલુ વર્ષે ચોમાસું હવે વિદાયના આરે છે, ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની જીવાદોરી સમાન આજવા સરોવર હજુ સુધી છલકાયું નથી. સરોવરમાં પૂરતા પ્રમાણમાં નવા પાણીની આવક ન થતાં તંત્ર અને નાગરિકો માટે આગામી દિવસોમાં પાણીની તંગીને લઈને મોટી ચિંતા ઊભી થઈ છે.
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આજવા સરોવરની સપાટી બે થી ત્રણ વખત 214 ફૂટની ઓવરફ્લો સપાટી સુધી પહોંચતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદની ખેંચને કારણે સપાટી ત્યાં સુધી પહોંચી શકી નથી. આજે સવારે 11:30 વાગ્યાની સ્થિતિએ આજવા સરોવરની જળસપાટી 209.85 ફૂટે અટકી ગઈ છે.
અગાઉના ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે આજવા સરોવરની સપાટી ઐતિહાસિક રીતે પ્રથમ વખત 207 ફૂટની નીચે જતી રહી હતી. જેને પગલે પૂર્વ વિસ્તારના રહીશોએ ભારે જળકાપ અને પાણીના કકળાટનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સપાટી ચિંતાજનક સ્તરે ઘટી જતાં વડોદરા મહાનગરપાલિકાને પાણીની અછત પૂરી કરવા માટે નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવાની નોબત આવી હતી.
સામાન્ય રીતે વડોદરાવાસીઓને ઉનાળાના આખરી દિવસોમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ વર્તમાન ચોમાસામાં જ સરોવરમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી આ વર્ષે શિયાળાની શરૂઆતથી જ પૂર્વ વિસ્તારમાં પાણીનો ગંભીર કકળાટ સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ચોમાસાની વિદાય ટાણે જ સરોવર ખાલી જેવું રહેતાં આગામી ઉનાળો વધુ વિકટ બનવાના સંકેતો મળી રહ્યા છે.
આ સંભવિત જળસંકટને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાએ અગાઉની જેમ છેલ્લી ઘડીએ દોડધામ કરવાને બદલે અત્યારથી જ આગોતરું પ્લાનિંગ કરવું અનિવાર્ય બન્યું છે. નર્મદા કેનાલમાંથી વધારાના પાણીની ખરીદી, ઉપલબ્ધ જળજથ્થાનું યોગ્ય વિતરણ અને ઉનાળા દરમિયાન પૂરા પાડવામાં આવતા પાણી પુરવઠા અંગે તંત્ર દ્વારા અત્યારથી જ નક્કર આયોજન હાથ ધરવામાં આવે તે સમયની માગ છે.
