Paresh Goswami Rain Forecast: 'અલ નીનો'ની અસરના કારણે આ વર્ષે ગુજરાતમાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો.
ખાસ કરીને 4 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર એટલે કે, લગભગ દોઢ મહિના જેટલો લાંબો વરસાદે વિરામ લીધો હતો. જેના પરિણામે ગુજરાતમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. જો કે ગત 12 સપ્ટેમ્બરે શરૂ થયેલા વરસાદી રાઉન્ડે ચોમાસાનું ચિત્ર બદલી નાંખ્યું છે.
બંગાળની ખાડીની સિસ્ટમ વિખેરાઈ રહી છે
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમે ગુજરાતના 80 ટકા ભાગમાં વરસાદનો લાભ આપ્યો છે. જો કે દ્વારકા, વાવ-થરાદ અને બનાસકાંઠા જેવા કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા જ નોંધાયો છે. અત્યારે આ સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ ભાગમાં આવીને વિખેરાઈ ગઈ છે.
સિસ્ટમ ભલે નબળી પડી, પરંતુ આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
આ સિસ્ટમ ભલે વિખેરાઈ ગઈ હોય, પરંતુ આમ છતાં આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. જેમાં આજે એટલે કે 18 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં સારા વરસાદ સાથે-સાથે એકાદ-બે સેન્ટરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જે બાદ 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જળવાઈ રહેશે.
બંગાળની ખાડીમાં સાયક્લોનની શક્યતા
વધુમાં પરેશ ગોસ્વામીએ વિવિધ હવામાન મોડલો અને IMDના આધારે જણાવ્યું કે, આગામી 24 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ એટલે કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન બની શકે છે.
જો કે આ સાયક્લોન ઓડિશાના કિનારે લેન્ડફૉલ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ આગળ વધે તેવી શક્યતા વર્તાઈ રહી હોવાથી, ગુજરાતને તેનો કોઈ સીધો લાભ મળવાની શક્યતા નહીવત છે.
