ભારે વરસાદથી વડોદરાની જીવાદોરી છલકાઈ: આજવા 208 ફૂટે અને વિશ્વામિત્રીમાં એક જ દિવસમાં સાડા સાત ફૂટનો ઉછાળો, તંત્ર એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદથી વડોદરાની જીવાદોરી સમાન આજવા ડેમ 208 ફૂટે પહોંચ્યો. વિશ્વામિત્રી નદીની સપાટીમાં એક જ દિવસમાં સાડા સાત ફૂટનો ઉછાળો આવતાં તંત્ર એલર્ટ થયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 25 Jul 2026 10:01 AM (IST)Updated: Sat, 25 Jul 2026 10:01 AM (IST)
vadodara-ajwa-dam-208-feet-vishwamitri-river-water-level-jumps-rain-alert

Vadodara: વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદ અને સ્થાનિક સ્તરે ધીમી ધારે ચાલુ રહેલા વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઉછાળો જોવા મળ્યો છે.

વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો

સત્તાવાર રીતે મળેલા આંકડા મુજબ, શુક્રવારે સવારે 11:50 વાગ્યે આજવા સરોવરની સપાટી 208.38 ફૂટે પહોંચી હતી, જેમાં પાછલા 24 કલાક દરમિયાન 0.46 ફૂટનો વધારો નોંધાયો છે. બીજી તરફ, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ભારે ઉછાળો આવ્યો છે. કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર અચાનક વધીને 13.42 ફૂટે પહોંચી ગયું છે. નદીની સપાટીમાં માત્ર 24 કલાકમાં સાડા સાત ફૂટથી પણ વધુ (7.56 ફૂટ)નો જંગી વધારો નોંધાતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

જિલ્લામાં કુલ 295.88 મીમી વરસાદ

વડોદરા શહેરમાં દિવસ દરમિયાન ધીમી ધારે આશરે 22 મિમી (1 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં વાઘોડિયામાં 13 મિમી, સાવલીમાં 15 મિમી, ડભોઈમાં 9 મિમી, પાદરામાં 15 મિમી, સિનોરમાં 5 મિમી, ડેસરમાં 16 મિમી અને કરજણમાં 5 મિમી વરસાદ નોંધાયો છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ 295.88 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

નદીઓ અને જળાશયોના જળસ્તર પર મોનિટરિંગ

ગુરુવારે પડેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી વરસાદનું જોર ઘટતાં અને ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતાં સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રે મોટો રાહતનો શ્વાસ લીધો છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, છતાં પણ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આજવા સરોવર, વિશ્વામિત્રી નદી અને અન્ય જળાશયોના જળસ્તર પર 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નદીકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.