Delhi-Mumbai Expressway Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માતર ટોલ પ્લાઝાથી આશરે બે કિલોમીટર દૂર વડોદરા તરફ જતા માર્ગ પર ફોરવ્હીલર, લાંબુ ટ્રેલર અને મુસાફરોથી ભરેલી લક્ઝરી ટ્રાવેલ્સ બસ વચ્ચે ત્રીપલ અકસ્માત થયો હતો. આ ભયાનક અથડામણમાં બસના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને બસનો ડ્રાઈવર સ્ટીયરીંગ તથા કેબિનના પતરા વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો.
હાઈડ્રોલિક મશીનોથી ડ્રાઈવરને બચાવ્યો
ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસ રાજસ્થાનના બાડમેરથી સુરત તરફ જઈ રહી હતી અને તેમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ડ્રાઈવરને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થિતિ ગંભીર હોવાથી ટીમે આધુનિક હાઈડ્રોલિક રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કર્યો હતો.
કટર વડે પતરા કાપી ડ્રાઈવરને બહાર કઢાયો
ફાયર ફાઈટરોએ કાળજીપૂર્વક કેબિનના વળેલા પતરા અને સ્ટીયરીંગને હાઈડ્રોલિક કટર વડે કાપીને ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આશરે એક કલાક સુધી ચાલેલી આ જટિલ અને પડકારજનક રેસ્ક્યુ કામગીરી દરમિયાન કરજણ ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે ડ્રાઈવરનો સહીસલામત બચાવ થયો હતો. રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો
અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કરજણ ફાયર વિભાગના સમયસૂચકતા અને ઝડપી પ્રતિસાદ ના કારણે એક અમૂલ્ય માનવજિંદગી બચી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને બાદમાં પૂર્વવત કરવામાં આવ્યો હતો.
