Vadodara News: ચોટીલા-હિરાસર વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત વધી રહેલા વરસાદી માહોલ અને ખરાબ હવામાનને કારણે રાજકોટ સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન વ્યવહાર પ્રભાવિત થયો છે. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને ભારે વરસાદને લીધે રન-વે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં મુંબઈથી રાજકોટ આવતી બે મહત્વની ફ્લાઈટો લેન્ડ થઈ શકી નહોતી. સુરક્ષાના કારણોસર બંને ફ્લાઈટોને તાત્કાલિક વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
બે ફ્લાઈટને વડોદરા એરપોર્ટ ડાઈવર્ટ કરાઈ
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈથી સવારે 8.00 વાગ્યે રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AIC 1AF) અને સવારે 8.40 વાગ્યે આગમન કરતી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO 5156) હિરાસર એરપોર્ટ નજીક પહોંચી હતી. જોકે, એરપોર્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રન-વે સ્પષ્ટ દેખાતો ન હોવાથી પાયલટે ઈમરજન્સી નિર્ણય લઈને લેન્ડિંગ ટાળ્યું હતું. બંને વિમાનોને એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ના નિર્દેશાનુસાર સુરક્ષિત રીતે વડોદરા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.
200 મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી
આ બંને ફ્લાઈટમાં 100-100થી વધુ મળીને કુલ 200થી વધારે મુસાફરો સવાર હતા. અચાનક ફ્લાઈટ ડાયવર્ટ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે રાજકોટ પહોંચાડવા માટે વૈકલ્પિક બસ અથવા અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ચોટીલા-હીરાસર પટ્ટામાં વરસાદી માહોલ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ ચોટીલા અને હિરાસર પટ્ટામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી આજે દિવસ દરમિયાન વધુ ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાય અથવા ડાયવર્ટ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
