Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલા તાલુકાના સુમરા ગામે પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માતાએ પોતાના ચાર સંતાનો સાથે ગામના જ કૂવામાં પડતું મૂકીને જિંદગી ટૂંકાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી પરિણીતાએ આજે બપોરના સમયે અગમ્ય કારણોસર પોતાના 4 સંતાનો સાથે કૂવામાં જંપલાવીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બાબતની જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી એક પછી એક એમ પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
હાલ તો પોલીસે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રોલ CHC ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. હજુ સુધી પરિણીતાએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું, તે જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ભાનુબેન ટોરીયા (32), આયુષ ટોરીયા (10), આનંદી ટોરીયા (4), અંજુ ટોરીયા (8) અને ઋત્વિક ટોરીયા (3) વર્ષ તરીકે થઈ છે. અત્યારે તો પોલીસ દ્વારા પરિણીતાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
