Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આર્થિક ભીંસથી કંટાળી માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતુ. આજે એકસાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળતા નાના એવા સુમરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.
હકીકતમાં ગઈકાલે બપોરના સમયે સુમરા ગામમાં રહેતા ભરવાડ પરિવારની ભાનુબેન ટોરીયા (32) નામની પરિણીતાએ પોતાના 3 થી 10 વર્ષ સુધીના 4 સંતાનો સાથે ઘર નજીકના કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. મોડી સાંજે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જો કે કૂવામાં પાણી વધારે હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ઈલેક્ટ્રિક મોટર મૂકીને પાણી ઉલેચવામાં આવ્યું હતુ. જે બાદ એક પછી એક પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રોલ CHCમાં ખસેડીને પોલીસે પરિવારજનો સહિતના લોકોના નિવેદન નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાનુબેને આર્થિક ભીંસથી કંટાળીને પોતાના એક પછી એક ચાર સંતાનોને કૂવામાં ફેંકીને પોતે પણ ઝંપલાવ્યું હતુ. પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જે બાદ આજે એક સાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હીબકે ચડ્યું હતુ. ગ્રામજનોએ ભારે હૈયે મૃતકોને અંતિમ વિદાય આપી હતી.
