Jamnagar: જામનગર જિલ્લાના સંચાણા ગામમાં માછીમારીની જાળના બાકી રહેલા પૈસાની ઉઘરાણીમાં થયેલા જૂથ અથડામણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં એક પરિવાર પર હિચકારો હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંચાણા ગામમાં રહેતા હાજી બચુભાઈ કકલે તેમના પરિચિત અકબર દાઉદ બુચડ પાસેથી રૂ 5 લાખની માછીમારીની જાળ ખરીદી હતી. આ સોદા પૈકી રૂ 4 લાખની ચુકવણી થઈ ચૂકી હતી. જ્યારે બાકીના રૂ. 1 લાખ 1 જાન્યુઆરી, 2026ના રોજ આપવાનું નક્કી થયું હતું.
જો કે આ મુદત પૂરી થાય તે પહેલા જ અકબર દાઉદ ઉશ્કેરાઈ ગયો હતો અને ગઈકાલે મોડી સાંજે પોતાના સાગરીતો સાથે ધારદાર હથિયારો સાથે હાજી બચુના ઘરે ધસી આવ્યો હતો. જ્યાં પૈસાની તાત્કાલિક માંગણી સાથે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક બની હતી.
આ દરમિયાન હુમલાખોરોએ હાજી બચુના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ મહિલાઓ સહિત પરિવારના કુલ 10 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઇસ્માઇલ સંધાર નામના યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.
આ ઘટનાને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમાંથી 7 શખ્સોની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા બાકીના ફરાર આરોપીઓની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
