નરેન્દ્ર આહીર, Jamnagar Farmer Protest: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ગ્રામજનોનો રોષે ભરાયેલા જોવા મળી રહ્યો છે. વીજ થાંભલા નાખવાના વિરોધમાં ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન રૂપે સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી છે. આ ન્યાયિક લડતમાં ગામના સાત જેટલા લોકો પોતાની માંગણીઓ સાથે અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને આમરણ ઉપવાસ પર બેઠા છે.
સત્યાગ્રહ આંદોલનના ત્રીજા દિવસે જ આંદોલનકારીઓની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અગાઉ સૌપ્રથમ નીરા મારાજ નામના ખેડૂતની તબિયત લથડી હતી, ત્યારે હવે વધુ એક ગ્રામજન મહિપતભાઈ ડાંગરની પણ અચાનક તબિયત બગડી હોવાના સમાચાર સામે આવ્યા છે.
સત્યાગ્રહ છાવણી પર મહિપતભાઈની સ્થિતિ અચાનક કથળતાં ત્યાં ઉપસ્થિત અન્ય આંદોલનકારીઓ અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ખેડૂતો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી.
108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાબડતોબ મહિપતભાઈ ડાંગરને જોડિયા સ્થિત સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં તબીબી ટીમ દ્વારા તેમની દેખરેખ રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વીજ થાંભલા સામે ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન અને ઉપવાસ આંદોલનમાં અત્યાર સુધીમાં કુલ બે આંદોલનકારીઓની તબિયત લથડી ચૂકી છે. ખેડૂતો અને ગ્રામજનોની નારાજગી વચ્ચે વહીવટી તંત્ર અને સબંધિત વિભાગ આ મામલામાં શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
