એમ્બ્યુલન્સ જઈ શકે તેમ નહોતી, તો પગપાળા પહોંચી 108 ટીમ; વાડી વિસ્તારમાં કરાવી સગર્ભાની સફળ પ્રસૂતિ

22 વર્ષીય યુવતીએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 06:07 PM (IST)Updated: Thu, 26 Nov 2026 06:07 PM (IST)
jamnagar-108-ambulance-team-walks-half-kilometer-to-help-pregnant-woman-deliver-baby

Jamnagar News: જીવનરક્ષક ગણાતી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે ફરી એકવાર સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરમાં ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તાર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી પાયલોટ અને EMT જરૂરી તબીબી સાધનો સાથે અંદાજે અડધો કિમી પગપાળા ચાલીને સગર્ભા મહિલા સુધી પહોંચી સફળ પ્રસુતિ કરાવી હતી.

અલિયા વાડી વિસ્તારમાં સગર્ભાને ઉપડી પ્રસૂતિની પીડા

પ્રાપ્ત વિગતો અનુસાર, ઠેબા ચોકડી નજીક આવેલા અલિયા વાડી વિસ્તારમાં એક વાડીમાં સગર્ભા મહિલા પ્રસૂતિની પીડા અનુભવી રહી હોવાની માહિતી 108 કંટ્રોલ રૂમને મળી હતી. આ પ્રસૂતિના કેસ અંગે જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સના પાયલોટ ધવલ કણજારીયા અને EMT માનવ નાખવા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.

એમ્બ્યુલન્સ જઈ શકે તેમ નહોતી, પગપાળા પહોંચી ટીમ

વાડી વિસ્તારની અંદર સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી પાયલોટ અને EMT બંને જરૂરી તબીબી સાધન-સામગ્રી સાથે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચવાની જહેમત ઉઠાવી હતી.

સ્થળ પર પહોંચ્યા બાદ 22 વર્ષીય સંગીબેન મેડાને પ્રસૂતિના સ્પષ્ટ લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલ લઈ જવા માટે સમય ન હોવાથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

22 વર્ષીય યુવતીએ આપ્યો તંદુરસ્ત પુત્રને જન્મ

108 ઈમરજન્સી સેવાની ટીમે સમય સૂચકતા અને કુશળતા દાખવતા સંગીબેનની સફળ પ્રસુતિ થઈ હતી. 22 વર્ષીય યુવતીએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

કટોકટીના સમયે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સમયસર પહોંચીને કરેલી આ કામગીરીની સરાહના થઈ રહી છે.