Pavagadh Dom Collapse: પવિત્ર યાત્રાધામ પાવાગઢ (Pavagadh)ના માચી ખાતે એક દુર્ઘટના થઇ છે. માચીના ચાચરચોકમાં વિશ્રામ સ્થળનો એક ભાગ તૂટી ગયો હતો. ઘૂમ્મટ તૂટતા 8 જેટલા શ્રદ્ધાળુઓ દટાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પાવાગઢના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે માચી ખાતે પથ્થરના પિલરો પર શિલાઓ ગોઠવીને રેન બસેરા બનાવવામાં આવ્યું હતું. આજે બપોરે વરસાદના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ વરસાદથી બચવા માટે ત્યાં આસરો લઇ રહ્યાં હતા. જે દરમિયાન અચાનક બાંધકામ તૂટી પડ્યું હતું. આ રેન બસેરાનો એક ભાગ તૂટી પડતાં તેની નીચે કેટલાક શ્રદ્ધાળુઓ દટાયા છે. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓ સહિત બે બાળકો છે.
આ બનાવમાં એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર હાજર અન્ય શ્રદ્ધાળુઓ અને સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને રેન બસેરાનો તૂટેલો ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને તેની નીચે દબાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતક
- ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ)
ઇજાગ્રસ્તોની યાદી
- મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)
- રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ)
- સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ)
- વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)
- મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)
- દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)
- સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ)
- દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ)
