Pavagadh Traffic Rules: સુપ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થળ પાવાગઢમાં રવિવારની રજાઓ તેમજ સપ્તાહના અંતે ઉમટતી શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે અને ભક્તોને અગવડ ન પડે તે માટે અધિક મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી બે માસ સુધી એટલે કે, 19 ઓક્ટોબર સુધી તમામ રવિવારે પાવાગઢ ડુંગર પર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
GSRTC બસો અને સરકારી વાહનોને મંજૂરી અપાશે
આ પણ વાંચો
આ નિયમ અંતર્ગત તળેટીથી માચી સુધીના રસ્તા પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવર-જવર કરવાની મંજૂરી આપવામાં આવશે. માચી ખાતે ઉપલબ્ધ પાર્કિંગની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, 'વહેલા તે પહેલાં'ના ધોરણે એકસાથે કુલ 45 જેટલા વાહનોના ટોકન વિતરિત કરવામાં આવશે અને તે મુજબ જ પ્રવેશ અપાશે. જો માચી ખાતેનું પાર્કિંગ ફુલ થઈ જશે, તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.
પાંચ જગ્યાએ વિશેષ નાકાબંધી કરાશે
યાત્રિકોને રસ્તામાં અડચણ ન પડે અને ટ્રાફિકજામની સમસ્યા નિવારી શકાય તે માટે વિશેષ નાકાબંધી કરવામાં આવી છે. હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી વાહનો પર પ્રતિબંધ રહેશે અને આ પાંચ મુખ્ય સ્થળોએથી જ વાહનોને આગળ વધતા અટકાવવામાં આવશે.
મુલાકાતીઓ અને વાહનચાલકોને ખાસ અપીલ
વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાનો મુખ્ય હેતુ રવિવારના દિવસે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી છૂટકારો મેળવવાનો અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત તેમજ સુગમ દર્શન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. તંત્ર દ્વારા તમામ મુલાકાતીઓ અને વાહનચાલકોને આ નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
