TET પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગુજરાતના 75 હજાર શિક્ષકોની નોકરી ખતરામાં, 18 જૂને શિક્ષકોના રાજ્યવ્યાપી ધરણાં

વર્ષોથી ભણાવતા અનુભવી શિક્ષકો પાસે હવે આ ઉંમરે પરીક્ષાની માગ કરવી અન્યાયી છે. કેન્દ્ર સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે અને સંસદમાં કાયદાકીય સુધારો લાવી જૂના શિક્ષકોને આમાંથી મુક્તિ આપે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 12 Jun 2026 02:09 PM (IST)Updated: Fri, 12 Jun 2026 02:09 PM (IST)
supreme-courts-verdict-on-tet-exam-threatens-jobs-of-75-thousand-teachers-in-gujarat-protest-on-18th-june
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • તમામ જિલ્લા મથકોમાં અઢી લાખ જેટલા શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાશે
  • 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત થતાં મોટું સંકટ

Gujarat Teachers Protest: શિક્ષકોના અધિકારો અને નોકરીની સુરક્ષાને લઈને રાજ્ય સહિત દેશભરમાં મોટો ગરમાવો આવી ગયો છે. TET (Teacher Eligibility Test) પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ચુકાદાના વિરોધમાં આગામી 18 જૂનના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને સંસદમાં કાયદો સુધારવાની માગ બુલંદ કરવામાં આવી છે.

2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત થતાં મોટું સંકટ

સુપ્રીમ કોર્ટે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકો માટે પણ TET પરીક્ષા ફરજિયાત કરવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાના અમલીકરણને કારણે વર્ષોથી સેવા આપતા શિક્ષકોની નોકરી પર સીધું જ સંકટ આવી પડ્યું છે.

આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે માત્ર ગુજરાતના જ 75,000 જેટલા શિક્ષકોની નોકરી ખતરામાં મૂકાઈ ગઈ છે. વર્ષોથી ભણાવતા અનુભવી શિક્ષકો પાસે હવે આ ઉંમરે પરીક્ષાની માગ કરવી અન્યાયી છે.

ગુજરાતના 2.5 લાખ શિક્ષકો જોડાશે વિરોધમાં

આ આંદોલન અંતર્ગત 18 જૂને ગુજરાતના તમામ જિલ્લા મથકો પર શિક્ષકો દ્વારા પ્રચંડ ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે. શૈક્ષિક સંઘના જણાવ્યા અનુસાર, ગુજરાતના અંદાજે 2.5 લાખ શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાનો આક્રોશ નોંધાવશે. શિક્ષક સંઘની સ્પષ્ટ માગ છે કે, કેન્દ્ર સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે અને સંસદમાં કાયદાકીય સુધારો લાવીને જૂના શિક્ષકોને આમાંથી મુક્તિ આપે.

HTAT મુખ્ય શિક્ષકોને અન્ય શાળાનો ચાર્જ સોંપવાના નિર્ણયનો પણ ઉગ્ર વિરોધ

TETના મુદ્દા ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓના HTAT (Head Teacher Aptitude Test) મુખ્ય શિક્ષકો (આચાર્ય) ને અન્ય શાળાઓનો વધારાનો ચાર્જ સોંપવાના નિર્ણય સામે પણ શૈક્ષિક સંઘે લાલઆંખ કરી છે. આ અંગે સરકારમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

શિક્ષક તલાટી નથી કે અન્ય જગ્યાનો ચાર્જ અપાય
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રી પરેશ પટેલે સરકારના આ નિર્ણય સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, શૈક્ષણિક કાર્ય અને વહીવટી કાર્યમાં મોટો તફાવત છે. આચાર્યને અન્ય શાળાનો ચાર્જ ન આપી શકાય એક શાળાના મુખ્ય શિક્ષક પર પોતાની શાળાનું શૈક્ષણિક સ્તર સુધારવાની મોટી જવાબદારી હોય છે, તેમને અન્ય શાળાનો ચાર્જ સોંપવો યોગ્ય નથી.

7 હજાર આચાર્યો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારના આ પરિપત્રને કારણે હાલ રાજ્યના 7,000 જેટલા HTAT આચાર્યો ભારે માનસિક અને વહીવટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

શિક્ષકોએ પરિપત્ર રદ કરવાની માગ કરી

શૈક્ષિક સંઘે માગ કરી છે કે, શિક્ષકો એ વહીવટી કર્મચારી કે તલાટી નથી કે તેમને ગમે ત્યાં ચાર્જ સોંપી દેવાય, તેથી આ વિવાદાસ્પદ પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.આગામી દિવસોમાં જો સરકાર અને તંત્ર દ્વારા આ બંને સંવેદનશીલ મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો શિક્ષણ આલમમાં મોટું આંદોલન છેડાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.