Wedding Card Vastu Tips: સનાતન ધર્મમાં લગ્નને માત્ર બે લોકો જ નહીં, પરંતુ બે પરિવારોનું મિલન માનવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન યાદગાર ક્ષણ હોય છે. આ દરમિયાન અનેક પ્રકારના રિવાજો અને વિધિઓનું પાલન કરવામાં આવે છે. તેમજ લોકોને લગ્નનું આમંત્રણ આપવા માટે કંકોતરી મોકલવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, લગ્નની કંકોતરી બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવું મનાય છે કે, કંકોતરીમાં કરવામાં આવેલી નાની અમથી ભૂલ લગ્નજીવનમાં મોટી સમસ્યા સર્જી શકે છે.
એવામાં આજે અમે આપને લગ્નની કંકોતરી સાથે સંકળાયેલ વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું..
કંકોતરી પર વર-કન્યાની તસવીરોઃ આજના સમયમાં કંકોતરીમાં વર-કન્યાની તસવીરો લગાવવાનું ચલણ ખૂબ જ પ્રચલિત થયુ છે. જો કે વાસ્તુ શાસ્ત્રમાં કંકોતરી પર વર-કન્યાની તસવીરો છપાવવી અશુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, કંકોતરીમાં આવી ભૂલ કરવાથી વર-કન્યાને નજર લાગી શકે છે. આથી કંકોતરી પર વર-કન્યાની તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ. તમે કંકોતરીમાં સ્વસ્તિક, ઓમ અને કળશ જેવા શુભ પ્રતિકો રાખી શકો છો.
કંકોતરીનું વિશેષ ધ્યાન રાખોઃ લગ્નની કંકોતરી છપાવતી વખતે રંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, કંકોતરી માટે લાલ, પીળો અને સફેદ રંગ શુભ માનવામાં આવે છે, કારણ કે આવા રંગો સૌભાગ્યનું પ્રતિક મનાય છે.
કંકોતરી પર મંત્રઃ કંકોતરી પર ગણેશ મંત્ર અથવા વિષ્ણુ મંત્ર અચૂક લખાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં કંકોતરીમાં મંત્ર લખવાને શુભ માનવામાં આવે છે.
સૌથી પહેલી કંકોતરી કોને આપવીઃ લગ્નની કંકોતરીનું વિતરણ કરતાં પૂર્વે ભગવાન ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ. આમ કરવાથી શુભ કાર્યોમાં ક્યારેય કોઈ અડચણ નથી આવતી. આથી સૌ પ્રથમ કંકોતરી વિધ્નહર્તા ગણેશજી, કૂળદેવી, ઈષ્ટદેવ અને પોતાના પૂર્વજોને આપવી જોઈએ. જે બાદ સગા-સબંધીઓ અને મિત્રોને આપવી જોઈએ.
કંકોતરી કઈ દિશામાં રાખવીઃ કંકોતરી છપાઈ ગયા બાદ તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી-દેવતાઓનું સ્થાન હોવાનું માનવામાં આવે છે.
કંકોતરીમાં કઈ વિગતો હોવી જોઈએઃ
- ગણેશ પૂજા, ગ્રહ શાંતિનો સમય
- હલ્દી, મહેંદી સેરેમની અને સપ્તપદીના ફેરાનો સમય
- ભોજનનું સ્થળ અને સમય
- વર-કન્યાના દાદા-દાદી અને માતા-પિતાનું પુરુ નામ
