Surat: સુરત જિલ્લામાં એક અરેરાટીજનક ઘટના સામે આવી છે. જેમાં કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે મહિલાનો દુપટ્ટો યાર્નના ચકરડામાં આવી મહિલાને ગુંગણામણ અને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કારખાનાના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ક્રિષ્ના ફેબ્રિક્સનો અરેરાટીજનક બનાવ
મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની ત્રિવેણી સંતોષકુમાર રાણા (34) પીપોદરા સ્થિત મહાત્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રહેતા હતા. ત્રિવેણી રાણા પીપોદરા ગામ સ્થિત રાજ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ ક્રિષ્ના ફેબ્રિક્સ નામના કારખાનામાં કામ કરતા હતા.
આજે કારખાનામાં કામ કરતી વેળા યાર્નની પલટી કરતી વખતે ત્રિવેણી રાણાનો દુપટ્ટે યાર્નના ચકરડામાં ફસાઈ ગયો હતો. જેના કારણે તેઓ ખેંચાવા લાગ્યા હતા અને ગુંગળાઈ ગયા હતા. આ ઘટનામાં મહિલાને ડાબી આંખના નીચેના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.
Surat: કારખાનામાં કામ કરતી મહિલાનો દુપટ્ટો મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મોત, હચમચાવી દેતી ઘટના CCTVમાં કેદ pic.twitter.com/S94u7Hn1qQ
— Gujarati Jagran (@gujaratijagran) June 11, 2026
આ સમગ્ર ઘટના કારખાનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, મહિલા કામ કરતી હતી, ત્યારે અચાનક દુપટ્ટો સરકીને મશીનમાં આવી જાય છે અને તે ખેંચાવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત ઓગસ્ટ મહિનામાં આવો જ એક કાળજું કંપાવી દે તેવો બનાવ શહેરના કતારગામ વિસ્તારના હીરાના કારખાનામાંથી સામે આવ્યો હતો. જેમાં હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાઈ જતાં કામ કરી રહેલી મહિલાના માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા હતા.
