સાંતેજમાં ગરબા ગ્રાઉન્ડ બહાર ગાડી રીવર્સ લેવા મુદ્દે યુવક પર હુમલો, 'રિચી રિચ' પાર્લરના માલિકે પંચ પહેરી મોંઢા પર મુક્કા માર્યા, કાનની બુટ કરડી ખાધી

ગાંધીનગરના બોપલ વિસ્તારમાં 'રિચી રિચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે ગાડી રિવર્સ લેવા જેવી સામાન્ય બાબતે યુવક તનિષ પટેલ પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં તનિષને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને પોલીસે ભાવિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Oct 2026 07:09 PM (IST)Updated: Tue, 20 Oct 2026 07:09 PM (IST)
santej-garba-ground-assault-richie-rich-parlour-owner-attacks-youth-over-car-reverse-dispute

Gandhinagar: શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 'રિચી રિચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે ગાડી રિવર્સમાં લેવા જેવી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવકની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ગુનો દાખલ કરીને ભાવિક ગજ્જરની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાવડ ગામ ખાતે 'ફોક રાસ' નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તનિષ પટેલ (23) નામનો યુવક પોતાના પરિવાર સાથે ગરબા રમવા ગયો હતો. જ્યાં ગરબા પત્યા બાદ તનિષ પટેલ ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગરબા ગ્રાઉન્ડની બહાર ગાડી રિવર્લ કરવા મામલે ભાવિક ગજ્જર સાથે બોલાચાલી થઈ હતી.

બન્ને વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા ભાવિક ગજ્જરે પોતાની પાસે રહેલો લોખંડનો પંચ પહેરીને તનિષના મોંઢામાં આડેધડ મુક્કા મારી દીધા હતા. આટલું જ નહીં, ભાવિકે તનિષના કાનની બુટ પણ કરડી ખાધી હતી. આ હુમલા બાદ તનિષ પટેલને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તનિષને ઈમરજન્સી પ્લાસ્ટિક સર્જરી કરવાની તેમજ ફ્રેક્ચરની સારવાર કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું છે.

આ મામલે તનિષ પટેલે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો સાંતેજ પોલીસે આરોપી ભાવિક ગજ્જર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.