Gandhinagar: GPSC ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માંગ સાથે 23 દિવસથી ધરણાં, શંકરસિંહ વાઘેલા આંદોલનકારીઓના સમર્થનમાં આવ્યા

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલને હટાવવા અને અનામતના નિયમોનો યોગ્ય અમલ થાય તેની માંગને લઈને 23 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં આજે શંકરસિંહ વાઘેલા પણ સામેલ થયા હતા. જ્યાં તેમણે પણ હસમુખ પટેલ પર આક્ષેપ થઈ રહ્યા હોય તો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવાની માંગ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 11:30 PM (IST)Updated: Tue, 06 Oct 2026 11:30 PM (IST)
protests-against-gpsc-chairman-hasmukh-patel-shankersinh-vaghela-joins-gandhinagar-agitation


Gandhinagar: ગાંધીનગરમાં છેલ્લા 23 દિવસથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન હસમુખ પટેલને હટાવવા અને અનામતના નિયમોનો યોગ્ય અમલ કરવાની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે. સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠન દ્વારા ચાલી રહેલા આંદોલનમાં આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સામેલ થયા હતા. જ્યાં તેમણે હસમુખ પટેલે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી છે.

આજે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી પર પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આંદોલનકારીઓ સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. જે બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તમે જે આક્ષેપ કરી રહ્યા છો, તેમાં તથ્ય હોય તો અધિકારીએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ.

GPSCનો માલિક સરકાર હોવાનું જણાવી શંકરસિંહ વાઘેલાએ સરકાર તેમજ વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જે વ્યક્તિ મહત્ત્વના પદ પર બેઠી હોય, તો તમામ લોકોને સમાન માનપાન આપવાની જવાબદારી તેની રહે છે. ઉચ્ચ પદ પર બેઠા પછી કોમવાદ ના હોવો જોઈએ. મારે તેમનો બહુ પરિચય નથી, પરંતુ જો પોતાના પર આક્ષેપ થઈ રહ્યા હોય, તો પદ પર ના રહેવાની પણ નૈતિક્તા હોવી જોઈએ.

 જણાવી દઈએ કે, ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેથી સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠન દ્વારા હસમુખ પટેલને હટાવવાની તેમજ સરકારી ભરતીમાં અનામતના નિયમો મુજબ યોગ્ય ભરતી કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.