રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી, કહ્યું-'પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં' ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Feb 2026 03:23 PM (IST)Updated: Mon, 16 Feb 2026 03:23 PM (IST)
paresh-goswami-gave-a-reply-to-critics-in-support-of-raju-karpada
HIGHLIGHTS
  • રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી
  • પરેશ ગોસ્વામીએ ટીકાકારોને આપ્યો કડક જવાબ
  • ખેડૂત નેતાઓનું મનોબળ ન તોડવા લોકોને અપીલ

Paresh Goswami on Raju Karpada: જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી (AAP) રાજીનામું આપ્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે બાદ રાજુ કરપડાના નિર્ણય પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

રાજુ કરપડાના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર રાજુ કરપડાને 'ગદ્દાર' કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. આ સમયે હવામાન નિષ્ણાત અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે અને ટીકાકારોને આડે હાથ લીધા છે.

રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી

સોશિયલ મીડિયા પર રાજુ કરપડા વિરુદ્ધ ટિપ્પણી કરનારા, ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કડક શબ્દોમાં જવાબ આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, "રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે, ખેડૂતોને છોડ્યા નથી. કોઈ વ્યક્તિ પાર્ટી છોડે એટલે તેને ગદ્દાર કહેવો કે વેચાઈ ગયો છે તેવું કહેવું તે તદ્દન ખોટું છે". પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે, રાજકીય પક્ષો ખેડૂતોના હિતના ઠેકેદાર નથી, ખેડૂત નેતા કોઈ પણ પક્ષમાં રહ્યા વગર પણ સેવા કરી શકે છે.

કડદા કાંડ અને જેલવાસને યાદ કર્યો

રાજુ કરપડાની પ્રમાણિકતા અને સંઘર્ષને યાદ અપાવતા પરેશ ગોસ્વામીએ બોટાદના હળદળમાં થયેલા 'કડદા કાંડ'નો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, "જ્યારે કડદા કાંડ થયો ત્યારે આ મરદનો દીકરો એકલો લડ્યો હતો. ખેડૂતો માટે પોણા ચાર મહિના જેલ ભોગવીને આવ્યો હતો." ભાવુક અપીલ કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જે માણસ ખેડૂતો માટે જેલમાં ગયો હોય, તેને ખરાબ ચીતરવાથી ખેડૂત સમાજનો ઉદ્ધાર નહીં થાય.

'એક રૂપિયાનું ખોટું ન કરે તેવો માણસ': પરેશ ગોસ્વામી

રાજુ કરપડા પર વિશ્વાસ વ્યક્ત કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે લડતા આવ્યા છે અને તેઓ એક રૂપિયાનું પણ ખોટું કરે તેવા માણસ નથી. જ્યાં સુધી તેઓ સત્તાવાર રીતે ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જોડાઈને ખેડૂત વિરોધી કામ ન કરે, ત્યાં સુધી તેમને ગાળો આપવાનો કોઈને અધિકાર નથી.

ખેડૂત નેતાઓનું મનોબળ ન તોડવા અપીલ

અંતમાં, પરેશ ગોસ્વામીએ લોકોને અપીલ કરી હતી કે રાજુ કરપડા, પાલભાઈ આંબલિયા, રતનસિંહ ડોડીયા, સાગરભાઈ રબારી અને ડાયાભાઈ ગજેરા જેવા નેતાઓ જે ખેડૂતો માટે લડે છે, તેમને સહકાર આપવો જોઈએ. જો સહકાર ન આપી શકાય તો કમસેકમ અપશબ્દો બોલીને તેમનું મનોબળ તોડવું ન જોઈએ.