Gandhinagar: 4 દિવસથી ભેદી સંજોગોમાં લાપત્તા બિલ્ડરના પુત્રની લાશ મળી, હત્યા કે આત્મહત્યાને લઈને ઘુંટાતું રહસ્ય

રાયપુર ગામ નજીક ઋષભની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની તલાસી લેતા મળેલી સ્યુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 06:23 PM (IST)Updated: Wed, 28 Jan 2026 06:26 PM (IST)
missing-builders-son-found-dead-in-gandhinagar-suicide-note-sparks-murder-suspicion
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 25મીએ કન્સ્ટ્રક્શન સાઈટ પર જવાનું કહીને ઋષભ ગુમ થઈ ગયો હતો

Gandhinagar: છેલ્લા 4 દિવસથી ગુમ થયેલા જાણીતા બિલ્ડરના પુત્રની આજે કડી પોલીસ મથકની હદમાંથી લાશ મળી આવી છે. સ્યૂસાઈડ નોટ લખીને ભેદી સંજોગોમાં લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ છે કે આત્મહત્યા તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

સાઈટ પર જવાનું કહીને લાપત્તા થયેલા યુવકની કાર બિનવારસી મળી
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં એપોલો હોસ્પિટલ નજીકના શિખર બંગ્લોઝમાં રહેતો ઋષભ પટેલ (25) ગત 25 જાન્યુઆરીના રોજ કરાઈ સ્થિત પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઈ ગયો હતો.

આથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે કોઈ ભાળના મળતા આખરે ઋષભ પટેલના નાના ભાઈ આર્યને ડભોડા પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન રાયપુર ગામના બહુચર પાન પાર્લર નજીકથી બિલ્ડર પુત્રની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારની તલાસી લેતા તેમાં દાગીના, મોબાઈલ સહિત એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે 50 લાખની લેતીદેતીમાં પોતાને ઢોરમાર માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આથી ઋષભે કેનાલમાં પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું માનીને પોલીસ દ્વારા બહિયલના તરવૈયાઓની મદદથી પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ ભાળ નહતી મળી.

આખરે આજે કડી પોલીસ મથકની હદમાં એક યુવકની લાશ મળી આવી હતી, જેની ઓળખ ઋષભ પટેલ તરીકે કરવામાં આવી છે. આ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. હાલ તો પોલીસે ઋષભ પટેલે આપઘાત કર્યો છે કે, તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.