ગાંધીનગર: મિત્રને બચાવવા કુદેલો યુવક નર્મદા કેનાલમાં લાપતા, યુવક અર્જુન મેમ્કોનો રહેવાસી; શોધખોળ ચાલુ

માહિતી અનુસાર, રોહિત અને અર્જુન અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહે છે, અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 12:07 AM (IST)Updated: Thu, 26 Nov 2026 12:07 AM (IST)
memco-youth-missing-in-narmada-canal-gandhinagar-fire-brigade-rescue-operation

Gandhinagar News: ગાંધીનગર નજીક ખોરજ-લિંબડિયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો અનુસાર, અકસ્માતે કેનાલમાં લપસીને પડેલા મિત્રને બચાવવા માટે અર્જુન નામનો યુવક કેનાલમાં કૂદ્યો હતો, પરંતુ તે ઊંડા પાણીમાં લાપતા થયો હતો. ફાયર બ્રિગેડની કલાકોની શોધખોળ બાદ પણ યુવકનો પત્તો ન લાગતા પરિવારજનોએ બહિયલના સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી છે.

બસની સફાઈ કરવા કેનાલ પાસે ઊભા રહ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહેતા રોહિત અને અર્જુન નામના બે યુવકો ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને મિત્રો ટ્રાવેલ્સની બસ લઈને ચોટીલા તરફ જવા નીકળ્યા હતા. મુસાફરી શરૂ કરતા પહેલા બસની સફાઈ કરવા માટે તેઓ ગાંધીનગર નજીક ખોરજ-લિંબડિયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે ઊભા રહ્યા હતા.

મિત્રને ડૂબતો જોઈ અર્જુને કેનાલમાં ઝંપલાવ્યું

રોહિત ડોલ લઈને પાણી ભરવા માટે કેનાલના પગથિયાં ઊતર્યો હતો. જોકે, પાળ પર અચાનક તેનો પગ લપસી ગયો અને સંતુલન ગુમાવી તે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ, નજર સામે મિત્રને પાણીમાં ડૂબતો અને બચવા માટે તરફડિયા મારતો જોઈ અર્જુન ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો હતો.

રોહિત બચી ગયો, પણ અર્જુન પાણીમાં ડૂબ્યો

ભારે જહેમત બાદ રોહિત જેમતેમ કરીને કેનાલમાંથી સુરક્ષિત બહાર નીકળી આવ્યો હતો. બીજી તરફ, અર્જુન બહાર નીકળી શક્યો નહોતો અને જોતજોતામાં કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ગાંધીનગર ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

કલાકોની શોધખોળ બાદ પણ કોઈ પત્તો નહીં

આ ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કેનાલમાં અર્જુનની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએકલાકો સુધી જહેમત કરી, પરંતુ અર્જુન હજુ લાપતા છે. બીજી તરફ, બનાવની જાણ થતાં જ અર્જુનના પરિવારજનો અને મિત્રો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમને સફળતા ન મળતા આખરે પરિવારજનોએ દહેગામના બહિયલ ગામના સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી હતી. હાલમાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની હાજરીમાં બહિયલના તરવૈયાઓ દ્વારા નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં લાપતા અર્જુનની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.