સરકારી ફાઈલોમાં અટવાયું ખેલ સહાયકોનું ભવિષ્ય! 19 મહિનાથી નિર્ણય નહીં, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

કરાર પ્રથા નાબૂદ કરી ખેલ અભિરુચિ કસોટી (SAT)ના આધારે કાયમી નિમણૂકની માંગ સાથે ગાંધીનગરમાં ખેલ સહાયકોના ધરણાં. 19 મહિનાથી પડતર ફાઈલ પર સહી કરી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવા અપીલ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 08:09 AM (IST)Updated: Wed, 25 Nov 2026 08:09 AM (IST)
khel-sahayak-gujarat-gandhinagar-protest-permanent-recruitment-sat-exam-19-months-pending-file

Gujarat Khel Sahayak Protest: રાજ્યમાં કરાર આધારિત ભરતી પ્રથા અને સરકારી ફાઈલોના વહીવટી વિલંબ સામે ખેલ સહાયકોએ આરપારની લડાઇનું રણશિંગુ ફૂ્ક્યું છે. છેલ્લા 19 મહિનાથી સરકાર તરફથી મળી રહેલી માત્ર મૌખિક ખાતરીઓથી કંટાળી જઈને રાજ્યભરના ખેલ સહાયકોએ છેલ્લા 7 દિવસથી ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કર્યા છે. આદોલનકારીઓએ સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે, સરકાર દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટીને માન્યતા આપીને હાલ કાર્યરત તમામ ખેલ સહાયકોને તાત્કાલિક અસરથી કાયમી નિમણૂકના ઓર્ડર આપવામાં આવે.

કરાર પ્રથા સામે ખેલ સહાયકોનો રોષ

છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહેલા ઉમેદવારોએ સરકારની કરાર પ્રથા સામે સીધો વિરોધ નોંધાવ્યો છે. વડોદરાના ઉમેદવાર અમિતાબેને આ અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ કે, યોગ્યતા અને પરીક્ષા પાસ કરી હોવા છતાં યુવાનોને મજબૂરીવશ કરાર પ્રથામાં ધકેલવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં બેરોજગાર થવાનો ભય સતાવી રહ્યો છે.

ઉમેદવારોના જણાવ્યા અનુસાર, કાયમી કરવાની ફાઈલ સરકાર સમક્ષ પડતર હોવા છતાં છેલ્લા દોઢ વર્ષ (19 મહિના) થી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. આંદોલનકારીઓએ મુખ્યમંત્રીને સીધી અપીલ કરી છે કે 'દીકરી ભણે'ના સૂત્રને સાર્થક કરવા માટે આ પડતર ફાઈલ પર તાત્કાલિક સહી કરીને સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવે.

માંગણીઓ નહી સંતોષાય તો આંદોલન

સાબરકાંઠાથી આવેલા રેખાબેન પ્રજાપતિ સહિતના ઉમેદવારોએ વહીવટી તત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, દેવ દિવાળી જેવા મોટા પર્વ પર ઉમેદવારોને પોતાના પરિવાર અને બીમાર બાળકોને છોડીને ગાંધીનગરના રસ્તા પર બેસવું પડ્યું છે. આદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે,

જો સરકાર તરફથી લેખિત નોટિફિકેશન બહાર પાડીને નક્કર ન્યાય આપવામાં નહીં આવે. તો આ આંદોલન યથાવત્ત રહેશે. અને ગાંધીનગર નહીં છોડીએ.