Gandhinagar: ગાંધીનગરના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં રહેલી ફોમ સીટોના કારણે આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાંતેજ GIDCમાં આવેલ 'સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકોએ જીવ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. ફેક્ટરીમાં ફોમ સીટો હોવાના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હત્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. કલોલ ઉપરાંત કડી, ગાંધીનગર, માણસા, અમદાવાદ અને વડસરથી ગજરાજ સહિત 15 જેટલી ગાડીઓનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો છે. આ ઉપરાંત મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે.
આગ લાગતા જ શ્રમિકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફેક્ટરીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેમજ આસપાસની લેબર કોલોની પણ ખાલી કરી દેવામાં આવી છે. આ સાથે જ ફાયર વિભાગના કર્મચારીઓ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
