Vadodara: ખંડેરાવ માર્કેટમાં દબાણ હટાવવા ગયેલી મનપા ટીમ સાથે વેપારીનું ઘર્ષણ, વોર્ડ ઑફિસરને જાનથી મારી નાંખવાની ધમકી આપી

વડોદરાના ખંડેરાવ માર્કેટમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ સાથે ફળના વેપારીનું ઘર્ષણ થયું. વેપારીએ વોર્ડ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Oct 2026 08:11 PM (IST)Updated: Sat, 17 Oct 2026 08:11 PM (IST)
vadodara-khanderao-market-fruit-merchant-threatens-vmc-officer-during-encroachment-drive

Vadodara News: વડોદરા શહેરમાં જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફરજ પર તૈનાત વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસર સતીશસિંહ ચૌધરી અને તેમની ટીમ અને ફળના વેપારી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રસ્તા પર ફળો મૂકીને ટ્રાફિકને અડચણરૂપ બનતા અને ગંદકી ફેલાવતા વેપારી સામે દબાણ શાખાની ટીમે નિયમાનુસાર કાર્યવાહી કરીને માલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી ઉશ્કેરાયેલા કમલેશ નામના ફળના વેપારીએ વોર્ડ ઓફિસર અને સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી.

એટલું જ નહીં, આરોપી વેપારીએ પાલિકાના ટ્રકની ચાવી ઝૂંટવી લીધી હતી અને વોર્ડ ઓફિસરને 'નોકરી પૂરી થયા પછી રસ્તામાં જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ' તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ બનાવ બાદ વોર્ડ ઓફિસર સતીશસિંહ ચૌધરીએ નવાપુરા પોલીસ મથકે પહોંચી ઘટના અંગે લેખિત જાણ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે, અમે અમારી નૈતિક અને સરકારી ફરજ બજાવી રહ્યા છીએ. આવી ધમકીઓથી કર્મચારીઓમાં ભયનો માહોલ પેદા થાય છે. આથી ભવિષ્યમાં આવી સંવેદનશીલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે તે માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે.

આ ઘટનાએ પાલિકાના કર્મચારીઓની સુરક્ષા અંગેના મુદ્દાને ફરી ચર્ચામાં લાવી દીધો છે. જાહેર રસ્તાઓ સ્વચ્છ અને ટ્રાફિકમુક્ત રાખવા માટે કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ આવી કામગીરી વેળાએ કર્મચારીઓ પર થતા હુમલા અને ધમકીઓ સામે તંત્ર દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત અને કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે.