જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારના આપઘાત કેસમાં દોઢ વર્ષે 11 વ્યાજખોરો સામે ફરિયાદ, રૂ. 153 કરોડની મિલકત હડપવાનો આક્ષેપ

જામનગરના બિલ્ડર મેરામણ પરમારના દોઢ વર્ષ પહેલાં થયેલા આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં વ્યાજખોરોના ત્રાસથી તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. તેમના પુત્રએ 11 વ્યાજખોરો સામે રૂ. 153 કરોડની મિલકત હડપવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Aug 2026 07:30 PM (IST)Updated: Fri, 28 Aug 2026 07:30 PM (IST)
jamnagar-news-11-money-lenders-booked-in-meraman-parmar-suicide-case

Jamnagar Builder Meraman Parmar Suicide Case: જામનગરના ચર્ચિત બિલ્ડર મેરામણ પરમારના મૃત્યુના દોઢ વર્ષ બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

ડ્રાઈવરને ગલ્લે મોકલીને કારમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

જાન્યુઆરી-2025માં મેરામણ પરમારે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામની સીમમાં પાન ખાવાના બહાને કાર ઉભી રખાવી ડ્રાઈવરને ગલ્લે મોકલ્યો હતો. જે બાદ પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યારે ડ્રાઈવર પરત ફર્યો ત્યારે તેને મેરામણ પરમારે ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં બિલ્ડરના પરિવારને જાણ કરી હતી. ડ્રાઈવર મેરામણ પરમારને સારવાર અર્થે કેડી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.

મૃતકના પત્નીને પતિના હસ્તાક્ષરવાળી બે સ્યુસાઈડ નોટ મળી

બિલ્ડરના અવસાનના થોડા દિવસ બાદ તેમના પત્નીને ઘરમાંથી બે સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં પોતાના નાણાંકીય વ્યવહારો અને વ્યાજની વસૂલાતની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બે પરિવારોએ મૃતક પાસેથી 153 કરોડથી વધુ કિંમતની 28 જેટલી મિલકતો પચાવી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આખરે આ મામલે મૃતક મેરામણના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ મથકમાં 11 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ભીખુબા વાઢેર, ધવલ વાઢેર, વિરેન્દ્રસિંહ વાઢેર, શૈલેન્દ્રસિંહ વાઢેર, ગજરાબા વાઢેર, અનિતાબા વાઢેર, કાશ્મીરાબા વાઢેર અને પ્રવિણાબા વાઢેર, પ્રવિણ દોમડિયા, કાંતાબેન દોમડિયા, વિશાલ દોમડિયાને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.