Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ગુજરાતનો વેપાર હોમાયો, ગલ્ફના બંદરો પર 5500 કન્ટેનર અટવાયા; ગારમેન્ટ ઉદ્યોગને ફટકો

આ કન્ટેનરોમાં સી-ફૂડ અને ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત ચીજવસ્તુઓ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Mar 2026 08:52 AM (IST)Updated: Mon, 23 Mar 2026 08:52 AM (IST)
iran-israel-war-impact-on-gujarat-export-business-containers-stuck-at-gulf-ports
HIGHLIGHTS
  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વૈશ્વિક અસર
  • ગુજરાતના વેપાર પર માઠી અસર પડી
  • ગલ્ફ પોર્ટ પર 5500 કન્ટેનર અટવાયા

War impact on Garment industry: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક વેપારને બાનમાં લીધો છે, જેની સૌથી માઠી અસર ગુજરાતના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ઉદ્યોગ પર પડી છે. ગલ્ફ દેશો સાથેનો વેપાર અટકી પડતા રાજ્યના વેપારીઓ અને ખેડૂતો કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહ્યા છે.

ગલ્ફના બંદરો પર 5500 કન્ટેનરો અટવાયા 

હાલની તંગ પરિસ્થિતિને કારણે UAE ના ખોરક્કન અને ઓમાનના સોહાર પોર્ટ પર દક્ષિણ એશિયાઈ દેશોના હજારો કન્ટેનરો અટવાઈ પડ્યા છે, જેમાં ગુજરાત અને ભારતના જ 5,500 થી વધુ કન્ટેનરો સામેલ છે. આ અટવાયેલા કન્ટેનરોમાં બટાકા, માછલી, સી-ફૂડ અને ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત ચીજવસ્તુઓ ભરેલી છે.

એક્સપોર્ટરો પર 275 કરોડના ભારણનું સંકટ 

સૌથી મોટી સમસ્યા એ છે કે, ખોરક્કન પોર્ટ પર 800 થી વધુ રીફર (રેફ્રિજરેટેડ) કન્ટેનરો ઉતારી દેવાયા છે, પરંતુ ત્યાં માત્ર 120 ઇલેક્ટ્રિક પ્લગની જ વ્યવસ્થા હોવાથી કરોડોનો માલ બગડી જવાની અણી પર છે. માલને બગડતા બચાવવા માટે આ કન્ટેનરોને પરત ભારત લાવવામાં આવે તો પણ વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે. પ્રતિ કન્ટેનર 5 લાખ રૂપિયા લેખે એક્સપોર્ટરો પર અંદાજિત 275 કરોડનું વધારાનું આર્થિક ભારણ આવી શકે તેમ છે.

ગારમેન્ટ-કેરીના વેપાર પર સંકટના વાદળો 

વિપક્ષના જણાવ્યા મુજબ, યુદ્ધની આ સ્થિતિને કારણે ગુજરાતના મુખ્ય ઉદ્યોગોને મોટા નુકસાન થવાની ભીતિ છે. રમઝાન ઈદ નિમિત્તે અમદાવાદ અને સુરતનો ગલ્ફ દેશો સાથે થતો આશરે 1500 કરોડનો ગારમેન્ટ અને અન્ય વેપાર ડામાડોળ થઈ ગયો છે. આ ઉપરાંત, જો આ યુદ્ધ લંબાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના 500 કરોડના કેરીના વેપાર પર પણ ગંભીર અસર થશે.

સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ

આ કપરી પરિસ્થિતિમાં વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એક્સપોર્ટરો બરબાદ થઈ રહ્યા છે. સ્ટાર્ટ-અપ મારફતે એક્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢીને આર્થિક નુકસાનથી બચાવવા માટે સરકારે તાત્કાલિક અસરથી રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.