Mango prices in Ahmedabad: અમદાવાદમાં કેરીનું આગમન: ક્લાઈમેટ ચેન્જની અસરને પગલે કેરીના ભાવ આસમાને; હાફુસના ભાવ ગત વર્ષ કરતા બમણા

ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીના રસિયાઓએ હજુ થોડી રાહ જોવી પડશે. જૂનાગઢ, વલસાડ અને કચ્છથી આવતી કેસર કેરી આ વર્ષે 15 દિવસ મોડી બજારમાં આવે તેવું અનુમાન છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 23 Mar 2026 08:28 AM (IST)Updated: Mon, 23 Mar 2026 08:28 AM (IST)
mango-prices-in-ahmedabad-mango-prices-increase-due-to-climate-change

Mango prices in Ahmedabad: અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફળોના રાજા ગણાતી કેરીનું આગમન થઈ ચૂક્યું છે. જોકે, આ વખતે ક્લાઈમેટ ચેન્જની સીધી અસર કેરીના પાક અને તેના ભાવ પર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

ગરમીનો પારો વધવાની સાથે જ અમદાવાદના બજારોમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશથી વિવિધ જાતની કેરીઓ આવવા લાગી છે. જોકે, આ વર્ષે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર એ છે કે હાફુસ કેરીના ભાવ ગત વર્ષ કરતા સીધા બમણા થઈ ગયા છે. હાલમાં બજારમાં હાફુસ કેરી ₹600 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.

ક્લાઈમેટ ચેન્જ અને ભારે વરસાદનો માર

દક્ષિણ ભારતમાં આ વર્ષે ક્લાઈમેટ ચેન્જ અને કમોસમી ભારે વરસાદને કારણે આંબાના મોર ખરી પડ્યા હતા. આ નુકસાનને કારણે દક્ષિણ ભારતમાં માંડ 50 થી 60 ટકા જેટલો જ પાક ઉતર્યો છે. રત્નાગિરી, દેવગઢ, વિજયવાડા અને બેંગલુરુ જેવા વિસ્તારોમાં પાક ઓછો હોવાથી અમદાવાદની બજારમાં તેની સીધી અસર આવક પર પડી છે.

નરોડા ફ્રૂટ માર્કેટમાં આવકમાં ઘટાડો

સામાન્ય રીતે માર્ચ મહિનામાં નરોડા ફ્રૂટ માર્કેટમાં દરરોજ 150 ટન કેરીની આવક થતી હોય છે, જ્યારે એપ્રિલ-મે મહિનામાં આ આંકડો 300 થી 400 ટન સુધી પહોંચતો હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ અડધો વીતી ગયો હોવા છતાં માંડ 80 થી 100 ટન કેરીની આવક થઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગત વર્ષે જે હાફુસ ₹200 થી ₹300 પ્રતિ કિલો વેચાતી હતી, તેનો ભાવ અત્યારે ₹500 થી ₹600 સુધી બોલાઈ રહ્યો છે.

કઈ કેરી ક્યાંથી આવે છે અને શું છે ભાવ?

કેરીની જાત જથ્થાબંધ ભાવ (પ્રતિ કિલો) ક્યાંથી આવે છે?
હાફુસ ₹૫૦૦ - ₹૬૦૦ મહારાષ્ટ્ર, કેરળ
સુંદરી ₹૧૫૦ - ₹૨૦૦ કેરળ, મધ્યપ્રદેશ, કર્ણાટક
બદામ ₹૧૦૦ - ₹૧૫૦ કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ
તોતાપુરી ₹૯૦ - ₹૧૨૦ કેરળ, આંધ્રપ્રદેશ

કેસર કેરી માટે જોવી પડશે રાહ

ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીના રસિયાઓએ હજુ થોડી રાહ જોવી પડશે. જૂનાગઢ, વલસાડ અને કચ્છથી આવતી કેસર કેરી આ વર્ષે 15 દિવસ મોડી બજારમાં આવે તેવું અનુમાન છે. આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ પાક ઓછો હોવાને કારણે સરેરાશ ભાવ ઊંચા જ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે