International Workers Day 2026: કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. દર વર્ષે 1 મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ અથવા ‘મે દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જે શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે. ગુજરાત આજે શ્રમિક સશક્તિકરણની નવી પરિભાષા લખી રહ્યું છે. શ્રમિકો સમૃદ્ધ થશે તો જ ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે.
12 લાખથી વધુ શ્રમિકોને રેકોર્ડબ્રેક બોનસની ચૂકવણી
આ પણ વાંચો
રાજ્ય સરકારની મધ્યસ્થી અને પ્રયાસોના પરિણામે વિવિધ ઉદ્યોગ-એકમો દ્વારા શ્રમિકોને લઘુત્તમ વેતન અને બોનસની રેકોર્ડબ્રેક ચૂકવણી કરવામાં આવી છે. દિવાળીના સમયે શ્રમયોગીઓને આર્થિક લાભ મળી રહે તે માટે વર્ષ 2024-25 દરમિયાન 12.44 લાખથી વધુ શ્રમિકોને કુલ રૂ. 2029.17 કરોડની રકમ બોનસ તરીકે ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2025 દરમિયાન 1,232 સંસ્થાઓના 7,655 શ્રમયોગીઓને વેતન તફાવત પેટે રૂ. 11.13 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.
ડિજિટલ ક્રાંતિ: 'શ્રમ સેતુ પોર્ટલ' અને હેલ્પલાઇન નંબર
શ્રમિકોના પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક રીતે સમાધાન થાય તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘શ્રમ સેતુ પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે.
- કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ: ગ્રેજ્યુઇટી, પગાર વધારા કે છૂટા કરવા જેવા વિવાદો ઉકેલવા વર્ષ 2025 માં કુલ 5,550 અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી છે.
- ઓનલાઈન ઇન્સ્પેક્શન: વર્ષ 2025 માં કુલ 13,810 ઓનલાઇન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.
- શ્રમિક સહાયક હેલ્પલાઇન: શ્રમિકોના વિવિધ પ્રશ્નોના માર્ગદર્શન માટે '155372' કોલ-સેન્ટર કાર્યરત છે, જેના પર વર્ષ 2025 માં 18,402 ફોન કોલ્સ પ્રાપ્ત થયા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat Police: ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસનો ડંકો, દેશભરમાં ત્રીજો ક્રમ મેળવ્યો
'જન વિશ્વાસ બિલ' અને ઈ-શ્રમ નોંધણીથી સુરક્ષા
'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ‘જન વિશ્વાસ બિલ’ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક સંબંધ અધિનિયમ અને ગુજરાત દુકાન અને વાણિજ્ય સંસ્થા અધિનિયમમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ગુનાઓના માંડવાળ અને પેનલ્ટીની જોગવાઈની વેપારીઓ માટે કામકાજ સરળ બન્યું છે, જેનાથી ભવિષ્યમાં શ્રમિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ ઉપરાંત, અસંગઠિત ક્ષેત્રના કામદારોને ભવિષ્યમાં સામાજિક સુરક્ષા યોજનાનો લાભ આપવા માટે ઈ-શ્રમ પોર્ટલ પર મોટા પાયે નોંધણી ચાલી રહી છે. ગત 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યમાં 4 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થઈ ચૂકી છે. ટેકનોલોજી અને સંવેદનાના સંગમથી ગુજરાત આજે દેશ માટે શ્રમિક સશક્તિકરણનું એક ઉત્તમ 'રોલ મોડેલ' બની ગયું છે.
