Gujarat Police: ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસનો ડંકો, દેશભરમાં ત્રીજો ક્રમ મેળવ્યો

ગુજરાત પોલીસની કામગીરીથી એક વર્ષમાં 53 હજારથી વધુ ફોન મૂળ માલિકોને પરત મળ્યા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 30 Apr 2026 03:05 PM (IST)Updated: Thu, 30 Apr 2026 03:13 PM (IST)
gujarat-police-recovers-stolen-mobile-phones-ceir-ranking-gandhinagar-news
HIGHLIGHTS
  • ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં સુપરફાસ્ટ
  • ગુજરાત પોલીસની મોટી સિદ્ધિ, દેશમાં ત્રીજા ક્રમે

Gandhinagar News: રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઊંચો રિકવરી રેટ મેળવીને પોલીસે ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગે મોબાઈલ હેન્ડસેટ રીકવરીમાં આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસો તેમજ ભારત સરકારના 'સંચાર સાથી' પોર્ટલ અને CEIR (Central Equipment Identity Register) મોડ્યુલના અસરકારક ઉપયોગ થકી આ પરિણામ મળ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો, ચોરાયેલા ફોનનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી પર અંકુશ મેળવવાનો છે.

રાષ્ટ્રીય સરેરાશ સામે ગુજરાતનો રિકવરી રેટ

આંકડાકીય માહિતી મુજબ, સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે. તેની સામે એકલા ગુજરાતમાં કુલ 1,83,985 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરી દર માત્ર 32.6 ટકા છે, ત્યાં ગુજરાત પોલીસે 46.71 ટકાના ઐતિહાસિક રિકવરી રેટ સાથે, છેલ્લા એક વર્ષમાં 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા છે.

naidunia_image

કયા જિલ્લા પોલીસે કરી શ્રેષ્ઠ કામગીરી?

વર્ષ 2025-26 ના ડેટા મુજબ, ગુજરાત LSA દ્વારા અમલમાં મૂકાયેલા 'CEIR રેન્કિંગ ફ્રેમવર્ક' અંતર્ગત અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જીલ્લાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

  • અમદાવાદ શહેર (પ્રથમ ક્રમ): અમદાવાદે સૌથી વધુ 25,500 બ્લોક વિનંતીઓ સામે 4,935 હેન્ડસેટ રિકવર કરી 56.70 ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વોલ્યુમ સ્કોરમાં પણ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.
  • ડાંગ જિલ્લો (બીજો ક્રમ): 328 બ્લોક વિનંતીઓ સામે 77.33 ટકાના સૌથી ઊંચા એક્યુરેસી સ્કોર અને 54.89 પોઈન્ટ્સ સાથે ડાંગ બીજા ક્રમે રહ્યું છે.
  • ભાવનગર જિલ્લો (ત્રીજો ક્રમ): 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરીને 53.44 ના સ્કોર સાથે ભાવનગરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

નોડલ અધિકારીઓનું ખાસ સન્માન કર્યું  

આ શાનદાર અને શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાના નોડલ અધિકારીઓએ ટ્રેસ થયેલા 1,14,670 હેન્ડસેટ શોધવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.