ગાંધીનગરમાં યોજાશે BRICS દેશોની હાઈલેવલ બેઠક, PM નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ

ભારત હાલમાં BRICS દેશોનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 30 Apr 2026 11:12 AM (IST)Updated: Thu, 30 Apr 2026 11:12 AM (IST)
gandhinagar-high-level-meeting-of-brics-countries-with-pm-narendra-modi
HIGHLIGHTS
  • ગાંધીનગરમાં BRICS દેશોની બેઠક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

Gandhinagar BRICS countries High-level meeting: ગુજરાત ટૂંક સમયમાં વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરની લીલા હોટલ ખાતે BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની શક્યતા છે. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી ચર્ચા બાદ આ આંતરરાષ્ટ્રીય બેઠક ગાંધીનગરમાં મળવા જઈ રહી છે.

વડાપ્રધાનની હાજરી પણ સંભવિત

આ કાર્યક્રમમાં 11 મે, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી પણ સંભવિત છે, જે આ બેઠકને વિશેષ મહત્વ આપશે. દિલ્હી બાદ હવે ગુજરાતની રાજધાનીમાં આવી હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવા જઈ રહી હોવાથી રાજ્યની વૈશ્વિક રાજદ્વારી ઓળખને વધુ મજબૂતી મળશે.

કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક પોલિસી ડાયરેકશન, આર્થિક સહકાર, નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને ભવિષ્યની વિકાસ નીતિ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારત હાલમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. ખાસ કરીને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ દેશો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવશે.

તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ આંતરરાષ્ટ્રીય બેઠકને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમ વિના વિઘ્ને સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના સ્વાગત તેમજ હોસ્પિટાલિટી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક ગાંધીનગર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.