Viral News: સલમાન-ઐશ્વર્યાની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું એક ગીત 'લૂંટ ગયે હમ તેરી મોહબ્બત મેં' ખૂબ જ લોકપ્રિય છે. આજે પણ ભગ્ન હ્રદયના આશિકોને દિલ તૂટે ત્યારે આ ગીત ગણકારવું ગમે છે. આજે આ ગીત યાદ કરવાનું મુખ્ય કારણ બ્રાઝીલનો આવો જ એક આશિક છે. જે સોશિયલ મીડિયા મારફતે પ્રેમમાં પડ્યા બાદ રીતસરનો ખુંવાર થઈ ગયો છે.
હકીકતમાં બ્રાઝીલનો આ યુવાન પોતાની તમામ સંપત્તિ વેચીને લગભગ 2 હજાર કિલોમીટર દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો હતો. જો કે ત્યાં પહોંચ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે, તે જે યુવતીને પોતાની માશૂકા સમજી રહ્યો છે, તે હકીકતમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ફેક યુવતી છે.
બ્રાઝીલના મારાન્યાઓ સ્ટેટમાં રહેતા એડિમાર માર્ટિન્સની આજથી 6 વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે જેસિકા ઓલિવેરિયા નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી. 2020થી માર્ટિન્સ અને જેસિકા વચ્ચે વાતચીત થતી હતી. જો કે ઑનલાઈન પ્રેમિકાને રૂબરું મળવાની ઈચ્છા થતાં માર્ટિન્સે 9 ઓક્ટોબરના રોજ પોતાની તમામ સંપત્તિ અને બચત વેચી નાંખી. જેથી તે મિનાસ ગેરેસ સ્ટેટના પાટનગર બેલો હોરિજોન્ટેમાં રહેતી જેસિકાને મળવા જઈ શકે.
ગર્લફ્રેન્ટ ફેક યુવતી નીકળતા માર્ટિન્સના પગ તળેથી જમીન સરકી
ગત 11 ઓક્ટોબરે માર્ટિન્સે હોરિજોન્ટે શહેરમાં પહોંચીને જેસિકાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ ના મળી. આખરે માર્ટિન્સે એક રેડિયો સ્ટેશનની મદદ માંગી. જેમાં જેસિકા નામની યુવતી અસલી નથી, પરંતુ AI દ્વારા તૈયાર કરવામાં આવેલી ફેક યુવતી હોવાનું જાણવા મળતા માર્ટિન્સના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
જેસિકાને મળવા માટે માર્ટિન્સ પૈસે-ટકે ખુંવાર થઈ ગયો હતો. જે બાદ તે હોરિજોન્ટે સિટી હોલમાં એક સામાજિક કાર્યકર્તાને મળ્યો અને પોતાની આપવીતિ કહી સંભળાવી અને કહ્યું કે, એકલતાથી કંટાળી ગયો હોવાથી પોતાને જીવનસાથીની જરૂર જણાતા હું એક ફેક યુવતીને ગર્લફ્રેન્ડ સમજીને આટલા દૂર આવી ગયો છું અને હવે મારી પાસે પૈસા પણ નથી. જે બાદ અધિકારીઓએ માર્ટિન્સને ઘરે પરત ફરવાની વ્યવસ્થા કરીને આપી.
જે સોશિયલ મીડિયા એકાઉન્ટથી માર્ટિન્સ ભરાઈ ગયો હતો, તેના લગભગ 3 લાખ ફોલોઅર્સ છે. આ એકાઉન્ટ પર AIની મદદથી તૈયાર કરવામાં આવેલી રુપાળી યુવતીઓના વીડિયો પોસ્ટ કરવામાં આવતા હતા.
