Gujarat Police: AI થી ગુનેગારો બન્યા હાઈફાઈ, તો ગુજરાત પોલીસ પણ બનશે આધુનિક: 2030 સુધીમાં આવશે મોટો બદલાવ

અમદાવાદ અને સુરતમાં AI વિજિલન્સ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Mar 2026 09:51 AM (IST)Updated: Mon, 23 Mar 2026 09:51 AM (IST)
gujarat-police-modernization-ai-surveillance-safe-city-project-for-cyber-crime
HIGHLIGHTS
  • ગુજરાત પોલીસ બનશે હાઈટેક
  • AI કેમેરાથી ગુનેગારોને પકડાશે 
  • આગામી 5 વર્ષનો મેગા પ્રોજેક્ટ

Use of technology in Gujarat Police: ગુનેગારો હવે ગુનાખોરી માટે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી 2.36 કરોડની નકલી ચલણી નોટોના કિસ્સામાં સુરતની ટોળકીએ AI એટલે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. AI થકી હાઈફાઈ બનેલા સાયબર ક્રિમિનલ્સ લોકોને છેતરી રહ્યા છે, ત્યારે હવે ગુજરાત પોલીસે પણ વધુ આધુનિક બનાવવા કવાયત શરૂ કરી છે.

લાકડીથી લઈને AI સુધીની સફર

એક સમય હતો જ્યારે ગુનાઓ રસ્તાઓ પર થતા, ત્યારે ખાખી વર્દી તથા લાકડીનો દંડો જ પોલીસની ઓળખ હતા. પરંતુ સમય જતાં પ્લાસ્ટિકની અનબ્રેકેબલ સ્ટીક, કરન્ટ આપતી ઈલેક્ટ્રોનિક બેટન અને પોલીસની છાતી પર લાગેલા લાઈવ CCTV કેમેરા પોલીસ દળનો હિસ્સો બની ચૂક્યા છે. 

વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ પછી ગુજરાત પોલીસ સતત આધુનિકતા તરફ આગળ વધી રહી છે. દોઢ દાયકા અગાઉ પોલીસના શારીરિક કૌશલ્ય અને સંપર્કો જોવામાં આવતા હતા. પરંતુ હવે મોબાઈલ, CCTV, કોમ્પ્યુટરથી સર્વેલન્સ અને AI નું પણ મહત્વ વધ્યું છે. વર્ષ 2013-14 થી શરૂ થયેલી CCTV સર્વેલન્સની સફર હવે AI સુધી પહોંચી ચૂકી છે.

વધતો સાયબર ક્રાઈમ અને નવા પડકારો 

આધુનિક જમાનામાં સાયબર ક્રાઈમ થકી ગુનેગારો આર્થિક ગુના, ફોટો-વીડિયોથી બ્લેકમેલિંગ, ફિશિંગ, રોમાન્સ સ્કેમ તેમજ મહિલાઓ અને બાળકોના ઓનલાઈન શોષણ જેવા ગુના આચરતા હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુનેગારો હવે આંગળીના ટેરવે કોમ્પ્યુટર કે મોબાઈલથી ગુના આચરી રહ્યા છે.

સેફ સિટી પ્રોજેક્ટ અને હાઈટેક AI કેમેરા 

આવા હાઈટેક ગુનેગારોને નાથવા માટે અમદાવાદ અને સુરતમાં 'સેફ સિટી પ્રોજેક્ટ' અંતર્ગત AI વિજિલન્સ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમમાં હાઈ રિઝોલ્યુશનવાળા સેન્સર બેઈઝડ AI કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ગુનેગાર કે શંકાસ્પદ વાહન અંગે તરત જ એલર્ટ આપે છે.

ગુનાખોરી રોકવામાં AI કેમેરાનો ઉપયોગ

આ AI કેમેરા ટોળા વચ્ચે પણ નિશ્ચિત ચહેરાને ઓળખીને એલર્ટ જારી કરી શકે છે, અને એક જ સેકન્ડમાં 1,000 ફોટોગ્રાફ લઈ શકે છે. જેની તલાશ હોય તે વોન્ટેડ વ્યક્તિની બેકગ્રાઉન્ડ ડિટેઈલ્સ અને સોશિયલ મીડિયા પરની હિલચાલની જાણ પણ પોલીસને તરત જ મળી જાય છે. જો ગુનાખોરી માટે નોંધાયેલા વાહન કે વ્યક્તિનો ડેટા સ્ટોર કરેલો હોય, તો AI તરત જ તેની જાણકારી આપે છે.

2030 સુધીમાં પોલીસની કાર્યપદ્ધતિ બદલાશે 

ગુજરાત પોલીસમાં 2030 સુધીના પાંચ વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત AI આધારિત મોટો બદલાવ લાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટથી વર્ષ 2025 થી 2030 વચ્ચે માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પોલીસની કાર્યપદ્ધતિ સંપૂર્ણપણે હાઈટેક બની જશે. ભલે રસ્તાઓ પર પોલીસની હાજરી ઘટી હોય, પરંતુ આધુનિક ટેકનોલોજીના કારણે ગુનાખોરીના આંકડા અને ગંભીર ગુનાઓ ઘટ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ માને છે.