46 દેશોના એથ્લેટ્સ HYROX માં ભાગ લેવા પહોંચ્યા ગાંધીનગર, 8000 દર્શકોએ નિહાળી સ્પર્ધા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં HYROX અમદાવાદ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 46 દેશોના 6,000 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધા ગુજરાતના પ્રવાસન અને આર્થિક ક્ષેત્રને વેગ આપશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 04:32 PM (IST)Updated: Thu, 26 Nov 2026 04:32 PM (IST)
international-fitness-competition-hyrox-was-organized-in-gandhinagar
હર્ષ સંઘવીએ HYROX અમદાવાદ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

Ganhinagar: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હાયરોક્સ (HYROX) અમદાવાદ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તા. 26થી 28 નવેમ્બર, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધા હાયરોક્સનું આયોજન કરવામાં આવ્યું છે.

6,000 એથ્લેટ્સ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે

ત્રણ દિવસ દરમિયાન અંદાજે 6,000 એથ્લેટ્સ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 3,000 એથ્લેટ્સ અને 46 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 250થી વધુ વિદેશી એથ્લેટ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં અંદાજે 8,000 દર્શકોની ઉપસ્થિતિ રહેશે.

હર્ષ સંઘવી એથ્લેટ્સ સાથે સ્પર્ધામાં સહભાગી થયા

ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એથ્લેટ્સ સાથે સ્પર્ધામાં સહભાગી થયા હતા. નાયબ મુખ્યમંત્રીએ ટ્રેક પર દોડ લગાવી હાયરોક્સના વિવિધ ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશનો પર પણ હાથ અજમાવ્યો હતો. ઉદ્ગાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ એરેના ફ્લોર પર ઉપસ્થિત સ્પર્ધકો તથા દર્શકો સાથે સંવાદ કરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.

રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે

ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના આર્થિક અને પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવવામાં વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓની વ્યૂહાત્મક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય એન્ડ્યુરન્સ સ્પર્ધાઓનું આયોજન રાજ્યમાં 'નિશ ટુરિઝમ' (વિશિષ્ટ પ્રવાસન) ને નોંધપાત્ર વેગ આપે છે.

46 દેશોના 250થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સે ભાગ લીધો

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આટલા વિશાળ સ્તરે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની માટે રાજ્યને સજ્જ કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે. સમગ્ર ભારતમાંથી આવેલા અંદાજે 3,000 એથ્લેટ્સ અને 46 દેશોના 250થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સ અહીં સ્પર્ધા કરી રહ્યા છે.

આ પ્રકારની સ્પર્ધા આપણને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ગુજરાતની મહેમાનગતિ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની તક આપે છે. સ્પર્ધા ઉપરાંત એથ્લેટ્સ અને અન્ય પ્રતિનિધિઓ ધરોઈ, પોલો ફોરેસ્ટ, સોમનાથ અને કચ્છ સહિતના રાજ્યના પ્રમુખ પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.

હાયરોક્સ (HYROX) વિશે

હાયરોક્સ (HYROX) એ દરેક વર્ગના લોકો માટેની વૈશ્વિક ફિટનેસ રેસ છે, જે એક પ્રમાણિત ઇન્ડોર એરેના ફોર્મેટમાં ફંક્શનલ સ્ટ્રેન્થ વર્કઆઉટ્સ અને એન્ડ્યુરન્સ રનિંગનો સમન્વય કરે છે. વિશ્વભરના એથ્લેટ્સ એકસમાન રેસ ફોર્મેટમાં સ્પર્ધા કરે છે, જે પરંપરાગત એન્ડ્યુરન્સ ઇવેન્ટ્સ અને ફંક્શનલ ફિટનેસ વચ્ચે સેતુરૂપ બને છે.

વૈશ્વિક સ્તરે ખ્યાતિપ્રાપ્ત ઇન્ડોર ફિટનેસ રેસિંગ શ્રેણીને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતમાં લાવવાના આ પ્રયાસને દેશભરમાંથી અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.