Earthquake Safe Buildings Guide: વેનેઝુએલા, કોલંબિયા, ઇન્ડોનેશિયા અને જાપાનમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપે ફરી એકવાર સાબિત કર્યું છે કે, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને રોકી શકાતી નથી, પરંતુ મજબૂત અને સુરક્ષિત ઇમારતોના નિર્માણ દ્વારા જાનમાલનું મોટું નુકસાન ચોક્કસપણે અટકાવી શકાય છે.
ભૂકંપ સુરક્ષા સંબંધિત વિજ્ઞાન અને જ્ઞાન સામાન્ય નાગરિકો તેમજ ભાવિ મકાન માલિકો સુધી સરળતાથી પહોંચી શકે તે હેતુથી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IIT Gandhinagar)ના પ્રોફેસરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પુસ્તક 'અર્થક્વેક-સેફ બિલ્ડિંગ્સ' (Earthquake Safe Buildings)નું હિન્દી અને ઉર્દૂ ભાષામાં અનુવાદ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસિલ કરી છે.
IITGNના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સહયોગી પ્રોફેસર અને ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ પ્રો. મનીષકુમારે આ પુસ્તકનું હિન્દીમાં અને હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગના લેક્ચરર પ્રો. મોહમ્મદ મુબશ્શિર અહસને ઉર્દૂમાં સફળતાપૂર્વક ભાષાંતર કર્યું છે.
જટિલ એન્જિનિયરિંગ વિના સામાન્ય નાગરિકો માટે સરળ માર્ગદર્શિકા
મૂળરૂપે એન્ડ્રુ ચાર્લ્સન દ્વારા લિખિત આ પુસ્તક અર્થક્વેક એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EERI) અને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર અર્થક્વેક એન્જિનિયરિંગ (IAEE) ના સહયોગથી 'વર્લ્ડ હાઉસિંગ એન્સાયક્લોપીડિયા' (WHE) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં 25 ટૂંકા, ચિત્રો અને આકૃતિઓ ધરાવતા લેખોનો સંગ્રહ છે, જે અત્યંત સરળ અને આસાનીથી સમજી શકાય તેવી ભાષામાં સમજાવે છે કે ભૂકંપ દરમિયાન ઇમારતો શા માટે ધડાકાભેર તૂટી પડે છે અને બાંધકામની યોગ્ય પદ્ધતિઓ દ્વારા જીવન અને સંપત્તિ કેવી રીતે બચાવી શકાય છે.
આ માર્ગદર્શિકા મકાન માલિકો, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ અને નીતિ ઘડવૈયાઓ સહિત તમામ લોકો માટે અત્યંત ઉપયોગી નીવડશે.
અનુવાદકોનું દ્રષ્ટિકોણ અને ભારતીય સંદર્ભ
આ પહલ અંગે વાત કરતાં પ્રો. મનીષકુમારે જણાવ્યું કે, ભૂકંપ સુરક્ષા એ માત્ર એન્જિનિયરો પૂરતી મર્યાદિત બાબત નથી. મકાન કેવું પ્રદર્શન કરશે તેના ઘણા નિર્ણયો બાંધકામ શરૂ થાય તે પહેલાં જ લેવાઈ જતા હોય છે.
જો મકાન માલિકો અને બિલ્ડરો સરળ અને નિયમિત લેઆઉટ રાખવા, માળખાને નબળું પાડતા ફેરફારો ટાળવા, યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરવા અને બાંધકામની ગુણવત્તા પર ધ્યાન આપવા જેવા પાયાના સિદ્ધાંતો સમજી લે, તો તેઓ વધારાના મોટા ખર્ચ વિના વધુ સુરક્ષિત ઘર બનાવી શકે છે. હિન્દી આવૃત્તિમાં ભારત દેશના વિવિધ સિસ્મિક ઝોન, ઐતિહાસિક ભૂકંપો અને સ્થાનિક ઉદાહરણો પણ ઉમેરવામાં આવ્યા છે.
ઉર્દૂ અનુવાદ વિશે પ્રો. મોહમ્મદ મુબશ્શિર અહસને જણાવ્યું કે, મારી સામે સૌથી મોટો પડકાર સરળતા અને વૈજ્ઞાનિક ચોકસાઈ વચ્ચે સંતુલન જાળવવાનો હતો. ઉર્દૂ ભાષામાં ભૂકંપ સંબંધિત વૈજ્ઞાનિક અને તકનીકી સાહિત્ય ખૂબ જ ઓછું ઉપલબ્ધ હોવાથી, આ અનુવાદ તે તમામ વાચકો સુધી જીવનરક્ષક જ્ઞાન પહોંચાડવામાં મદદ કરશે જેઓ અત્યાર સુધી ભાષાની મર્યાદાને કારણે વંચિત હતા."
ભારત માટે આ પુસ્તકની વિશેષ અગત્યતા
ભારતનો મોટો વિસ્તાર, ખાસ કરીને હિમાલયન ક્ષેત્ર, ઉત્તર-પૂર્વ તેમજ ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો ભારે સિસ્મિક જોખમ હેઠળ આવે છે. આ સંજોગોમાં જ્યાં યોગ્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની પહોંચ મર્યાદિત છે, ત્યાં આ પુસ્તક ભૂકંપ પ્રતિકારક મકાનોના નિર્માણ માટે અને જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શક સાબિત થશે.
