બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિયઃ લાંબા વિરામ બાદ મેઘરાજા થશે મહેરબાન, ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં ધમાકેદાર વરસાદી રાઉન્ડના સંકેત

અત્યાર સુધી ઊંચાઈ પરથી ફૂંકાતા ગરમ પવનોના કારણે વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચીને વિખેરાઈ જતી હતી, પરંતુ હવે પવનની ગતિ મંદ પડવાથી વરસાદી સિસ્ટમ કોઈ પણ અવરોધ વિના સડસડાટ ગુજરાત તરફ આગળ વધશે. જેના પરિણામે ગુજરાતમાં સારો વરસાદ પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 12:00 AM (IST)Updated: Wed, 09 Sep 2026 12:00 AM (IST)
paresh-goswami-rain-forecast-heavy-monsoon-round-expected-around-sept-15-across-gujarat
HIGHLIGHTS
  • આખું ગુજરાત ભીંજાશે, પરંતુ કચ્છ હજુ પણ કોરું જ રહશે!

Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં જુલાઈના અંતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ વરસાદે વિરામ લઈ લીધો છે. જેના કારણે આ વર્ષે ચોમાસું ધાર્યા કરતાં પણ વધારે નબળું રહેતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.

લગભગ દોઢ મહિનાના કોરા સ્પેલ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવાના હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. 15 સપ્ટેમ્બરની આસપાસ ફરી એકવાર વરસાદી ગતિવિધિઓ શરૂ થવાની શક્યતાને પગલે આકાશ તરફ નજર રાખી રહેલા ખેડૂતોમાં નવી આશા જાગી છે.

હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાનના વિવિધ મોડલ્સના આધારે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ GFS, ECMWF જેવા વૈશ્વિક મોડલ્સ ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવતા હતા, પરંતુ ભારતી હવામાન વિભાગના (IMD) મોડલ્સમાં વરસાદ નહતો દર્શાવવામાં આવતો. જો કે હવે IMDના મોડલમાં પણ વરસાદના પોઝિટિવ સંકેત મળી રહ્યા છે.

બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આગામી 12 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમના આઉટર ક્લાઉડ 14 સપ્ટેમ્બર સુધીમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ સુધી પહોંચશે. જ્યારે 15 અથવા 16 સપ્ટેમ્બરે આ વરસાદી સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક પહોંચી જશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, રાજસ્થાનની સરહદને અડીને આવેલા ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

પવનની ગતિ ઘટતા વરસાદી સિસ્ટમ સડસડાટ આગળ વધશે

અત્યાર સુધી ઊંચાઈ પરથી ફૂંકાતા ગરમ પવનોના કારણે વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકતી નહતી અથવા ગુજરાતની લગોલગ આવીને વિખેરાઈ જતી હતી. જો કે હવે 9 સપ્ટેમ્બરથી પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. પવનની ગતિ મંદ પડવાથી વરસાદી સિસ્ટમ કોઈ પણ અવરોધ વિના સડસડાટ ગુજરાત તરફ આગલ વધશે અને રાજ્યને વરસાદનો સારો એવો લાભ આપશે.

હવામાનના અલગ-અલગ મોડલ્સ પ્રમાણે, 12 થી 16 સપ્ટેમ્બર અથવા 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની પ્રબળ શક્યતા છે. જો કે આ રાઉન્ડમાં કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે કચ્છ સિવાયના ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડે તેવા મજબૂત સંકેતો છેો.

ચોમાસાની વિદાય પહેલા ગુજરાત ભીંજાશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ભલે આ વરસાદી રાઉન્ડ મોડો આવી રહ્યો હોય, પરંતુ ખેડૂતો અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ વધુ એક સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે. ચોમાસાની વિદાય પહેલા હજુ પણ 5 થી 8 ઈંચ જેટલો વરસાદ વરસે, તો શિયાળુ પાકને જીવતદાન મળે અને પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ જશે.

મોટાભાગે ચોમાસાની વિદાયની પ્રક્રિયા રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર પર એન્ટી સાયક્લોન બન્યા પછી શરૂ થાય છે, જે 15 સપ્ટેમ્બરની આસપાસ બનવાની સંભાવના છે. જો કે ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય જ રહેશે. એટલે ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં 1 થી 2 સારા વરસાદના રાઉન્ડ આવે તેવી આશા રાખી શકાય.