Gujarat Weather Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારમાં હવાનું હળવું દબાણ એટલે કે લો-પ્રેશર એરિયા સક્રિય થયો છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન વધુ સક્રિય થઈને મજબૂત બને તેવી પૂરી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સક્રિય
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ગઈકાલે 17 ઓક્ટોબર 2026ના રોજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. જે હવે લો-પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું છે. જે આગામી 24 કલાકમાં વધુ પ્રભાવશાળી અને મજબૂત બનવાની શક્યતા છે. ગઈકાલે લક્ષદ્વીપના ઉત્તરીય ભાગો અને તેની આસપાસના વિસ્તારોમાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, તે આજે નબળું પડી ગયું છે. દક્ષિણે આવેલા સાઉથ અરેબિયન સીમાં છૂટાછવાયાથી લઈને આકાશ ઘેરાયેલું હોય તેવા નીચા અને મધ્યમ સ્તરના વાદળો છવાયેલા છે.
રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે 18 ઓક્ટોબર 2026ના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 19 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જોકે 20થી 24 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.
દક્ષિણ રાજસ્થાન પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પંથકમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉચું રહ્યું હતું. જ્યારે કચ્છમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું. પરંતુ રાજ્યના બીજા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં સામન્ય કરતા વધારો જોવા મળ્યો હતો. દક્ષિણ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 1.5 કિ.મી.સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે, તેમજ નૈઋત્ય રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી 3.1 કિ.મી.ની ઊંચાઈએ એક ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે. આ ઉપરાંત, પંજાબ અને હિમાચલ પ્રદેશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
