Gujarat Solar News: ગુજરાતમાં સોલાર એનર્જીનો મોટો પ્રોજેક્ટ, 15 હજાર સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ લગાવાશે

સરકારી ઇમારતો પર રિન્યુએબલ એનર્જી સિસ્ટમની દેખરેખ માટે ગુજરાતે આ વર્ષે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ પણ શરૂ કરી કરી છે. માર્ચ 2026 સુધીમાં રૂફટોપ સોલારથી સજ્જ સરકારી ઇમારતોની સંખ્યા વધીને 6,014 થઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 03:16 PM (IST)Updated: Mon, 05 Oct 2026 03:16 PM (IST)
gujarat-solar-news-15000-government-buildings-to-get-rooftop-solar-65-mw-more-power

Gujarat Solar News: ગુજરાતભરમાં સરકારી ઇમારતો જાણે કે, સૂર્યઉર્જાથી ઝળહળી ઉઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઇ ચૂકી છે. ચાલુ વર્ષે વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાનું આયોજન છે. આનાથી હાલની ક્ષમતામાં 65 મેગાવોટનો વધારો થશે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો હેતુ પુન:પ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ને પ્રોત્સાહન આપવાનો છે.

ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “વર્ષ 2025-26 દરમિયાન 1,377 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. જેના પરિણામે 17.1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો થયો છે. આ વિસ્તરણ સાથે માર્ચ 2026 સુધીમાં રૂફટોપ સોલારથી સજ્જ સરકારી ઇમારતોની સંખ્યા વધીને 6,014 થઈ છે. આ તમામ સરકારી ઇમારતો પર લાગેલી સોલર રૂફટોપ સિસ્ટમની વીજ ઉત્પાદન ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી છે.”

વર્ષ 2026-27માં વધુ 65 મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ કાર્યક્રમના મોટા પાયે વિસ્તરણનું આયોજન કર્યું છે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, “સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ આ વર્ષે થઈ રહ્યું છે. ચાલુ વર્ષે 15,000 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે. આ વિસ્તરણથી આશરે 65 મેગાવોટ સોલાર ક્ષમતાનો ઉમેરો થશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ઇમારતોની છતને વીજળી ઉત્પન્ન કરતા સ્ત્રોતમાં પરિવર્તિત કરીને પરંપરાગત વીજળીના સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, “સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમની સ્થાપનાથી પરંપરાગત વીજળીના વપરાશમાં ઘટાડો થશે. સરકારી કચેરીઓના વીજ ખર્ચ ઘટશે તેમજ પરંપરાગત વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રદૂષણમાં ઘટાડા સહિતના અનેક પર્યાવરણીય અને આર્થિક લાભો થશે.”

વર્ષ 2026-27 માટે આ કાર્યક્રમ અંતર્ગત રૂ. 314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સામાન્ય સરકારી ઇમારતો માટે રૂ. 278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઇમારતો માટે રૂ. 3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ઇમારતો માટે રૂ. 33 કરોડની ફાળવણી કરવામાં આવી છે,” ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીનાં (GEDA) નિયામક ધર્મેન્દ્ર પટેલે (IAS) જણાવ્યું.

આ યોજના હેઠળ ગુજરાત સરકારના હસ્તકની સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે આબોહવા પરિવર્તન વિભાગની વાર્ષિક બજેટ જોગવાઈમાંથી 100 ટકા મૂડી ખર્ચની સહાય પૂરી પાડવામાં આવે છે.

પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર

કેન્દ્રિય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાત 47,178 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને રાજસ્થાનને પાછળ રાખીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગુજરાતે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી

ડિજિટલ પરિવર્તનની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત સરકારે આ વર્ષથી સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમના મોનિટરિંગ માટે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “આ સિસ્ટમના મજબૂત માળખામાં સ્માર્ટ મીટર, સેન્સર અને GPRS, 4G તથા ઈન્ટરનેટ મારફતે જોડાયેલા IoT ગેટવેનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ ઓટોમેટેડ રિમોટ એલર્ટની સુવિધા પૂરી પાડે છે અને દર 15 મિનિટે કામગીરી સંબંધિત ડેટા એકત્રિત કરે છે, જેના પરિણામે દરરોજ 96 જેટલા રીડિંગ્સ મેળવી શકાય છે. હાલમાં આ સિસ્ટમ 142.5 મેગાવોટ સોલાર અને 68.3 મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદન સહિતની નોંધપાત્ર ક્ષમતાઓનું મોનિટરિંગ કરી રહી છે.”