ગુજરાતમાં વીજ પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા: 29,822 મેગાવોટની રેકોર્ડબ્રેક માંગ સામે સફળ પુરવઠો

ભવિષ્યની સ્થિરતા અને ગ્રીડ સંતુલન માટે સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને અન્ય પ્રોજેક્ટ્સનું સુદૃઢ આયોજન કર્યું છે. હાલ 192 મેગાવોટ BESS કાર્યરત છે અને માર્ચ 2027 સુધીમાં વધુ 500 મેગાવોટ કાર્યરત થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 07:30 PM (IST)Updated: Sat, 17 Oct 2026 07:30 PM (IST)
gujarat-manages-record-29822-mw-peak-power-demand-highlevel-review-held-by-energy-ministers

Gujarat Power Demand:રાજ્યમાં સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિ અંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગ અને તમામ ડિસ્કોમના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં અલ નીનોની અસરથી સતત ઊંચું રહેલું તાપમાન, કૃષિ ક્ષેત્રે પાકની સિંચાઈ માટે વધેલી માંગ (દૈનિક 12,000 મેગાવોટ સુધી) તેમજ નવરાત્રી અને દિવાળીના તહેવારોને કારણે વીજ માંગમાં ગત વર્ષોની સરખામણીએ 12% સુધીનો વધારો થયો છે. સાથોસાથ ઓછા વરસાદને કારણે હાઇડ્રો અને પવન ઊર્જાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ તાજેતરમાં ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટની વીજ માંગ નોંધાઈ હતી, જેને વીજ કંપનીઓએ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

વધેલી માંગને પહોંચી વળવા અને સાંજના પીક અવર્સ (સાંજે 5 થી 11) દરમિયાન સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન શૂન્ય થતાં ઉદ્ભવતી અછતને પહોંચી વળવા રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને કોલસાના રેકનો પુરવઠો વધારવાની ખાતરી મેળવવામાં આવી છે. આ ઉપરાંત NTPC અને આસામના સેન્ટ્રલ જનરેશન ક્વોટામાંથી વીજળી મેળવવાની સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર માસ માટે શોર્ટ-ટર્મ ટાઈ-અપ કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન ઉપલબ્ધ 12,000 મેગાવોટ સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેતીવાડી લોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભવિષ્યની સ્થિરતા અને ગ્રીડ સંતુલન માટે સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને અન્ય પ્રોજેક્ટ્સનું સુદૃઢ આયોજન કર્યું છે. હાલ 192 મેગાવોટ BESS કાર્યરત છે અને માર્ચ 2027 સુધીમાં વધુ 500 મેગાવોટ કાર્યરત થશે. આ સિવાય લાંબા ગાળાના પ્લાનિંગ અંતર્ગત NPCIL સાથે 4,200 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે MoU કરાયા છે, ઉકાઈ ખાતે 800 મેગાવોટનો થર્મલ પ્લાન્ટ નિર્માણાધીન છે તથા સિનોર, વણાકબોરી અને ગાંધીનગરમાં પણ નવા પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યા છે.

રાજ્ય સરકાર પાસે પુરતો વીજ પુરવઠો ઉપલબ્ધ હોવાથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને રાષ્ટ્રહિતમાં વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી વીજ વપરાશ ખાસ કરીને સાંજના પીક અવર્સ દરમિયાન ટાળવા અને શક્ય તેટલો વપરાશ દિવસના સૌર કલાકોમાં ગોઠવવા જણાવવામાં આવ્યું છે.