મકાન ખરીદતા પહેલાં બિલ્ડરની કુંડળી એક ક્લિકમાં ખુલશે! ગુજરાત RERA લાવી રહ્યું છે ખાસ સુવિધા

ગુજરાત રેરા પોતાના પોર્ટલ પર 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' નામનો નવો વિભાગ શરૂ કરી રહ્યું છે. આ સુવિધાથી મકાન ખરીદદારો બિલ્ડરના ભૂતકાળ અને વિશ્વસનીયતા એક ક્લિકમાં ચકાસી શકશે, જેનાથી છેતરપિંડીનું જોખમ ઘટશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 07:52 AM (IST)Updated: Thu, 26 Nov 2026 07:52 AM (IST)
gujarat-rera-promoters-track-record-builder-history-complaints-penalty-property-buyers-gujarat

Gujarat RERA Promoters Track Record: ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરતાં કે મકાન ખરીદી કરતાં પહેલાં ખરદદારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષાલક્ષી સુવિધા શરુ થવા જઈ રહી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પોતાના વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજમાં પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ નામનો નવો વિભાગ જોડવાની તૈયારીમાં છે. તેનાથી ગ્રાહકો બિલ્ડર કે પ્રમોટરની ભૂતકાળ, કામગીરી અને વિશ્વસનીયતા માત્ર એક ક્લિકમાં ચકાસી શકાશે.

બિલ્ડરના ભૂતકાળનું સત્ય હવે એક ક્લિકમાં ખૂલશે

ઘણીવાર ગ્રાહકો પ્રોજેક્ટનું લોકેશન, આકર્ષક સુવિ્ધાઓ અને ભાવ જોઈને પ્રોપર્ટી બુક કરાવી લે છે, પરંતુ બિલ્ડરે અગાઉ કેટલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અથવા ગ્રાહકો સાથે કોઈ વિવાદ થયો છે કે કેમ તેની પૂરતી માહિતી મળતી નથી. જેના લીધે ઘણીવાર ગ્રાહકો છેતરાઈ જતાં હોય છે. નવા વિભાગના માધ્યમથી ખરીદદારોને બિલ્ડરની કામગીરીનો સ્પષ્ટ ચિતાર મળશે. જેનાથી છેતરપિંડી કે અટકી પડેલા પ્રોજેક્ટના જોખમ સામે રક્ષણ મળી શકશે.

'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' વિભાગમાં કઈ-કઈ વિગતો જોવા મળશે?

આ નવા સેક્શન દ્વારા ગ્રાહકોને બિલ્ડર સાથે જોડાયેલી નીચે મુજબની મહત્વની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે:

  • અગાઉના પ્રોજેક્ટની યાદી: પ્રમોટરે રાજ્યમાં અગાઉ કયા પ્રોજેક્ટ બનાવ્યા છે અને તેમાં કામગીરી કેવી રહી છે તેની વિગતો.
  • ફરિયાદો અને નિકાલ: અલગ-અલગ પ્રોજેક્ટમાં બિલ્ડર સામે નોંધાયેલી ફરિયાદો, તેના નિકાલની સ્થિતિ અને રેરાના ચુકાદાની નકલ.
  • પેનલ્ટી અને કાર્યવાહી: ગુજરાત રેરા દ્વારા બિલ્ડર સામે કોઈ પગલાં લેવાયા હોય અથવા પેનલ્ટી ફટકારાઈ હોય તો તેની સંપૂર્ણ માહિતી.
  • પ્રોગ્રેસ રિપોર્ટની સ્થિતિ: પ્રમોટરે પોતાના વિવિધ પ્રોજેક્ટના કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યા છે તેનો રેકોર્ડ, જેનાથી કામગીરી પ્રત્યેની જવાબદારીનો અંદાજ આવી શકશે.

17 હજારથી વધુ પ્રોજેક્ટનો ડેટા ઓનલાઈન ઉપલબ્ધ

ગુજરાત રેરાના પોર્ટલ પર હાલ રાજ્યના 17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી જોઈ શકાય છે. નાગરિકો કોઈ પણ લોગ-ઈન વગર પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજિસ્ટ્રેશન નંબર નાખીને માહિતી મેળવી શકે છે. પોર્ટલ પર અગાઉથી જ પ્રોજેક્ટના દસ્તાવેજો, મંજૂર બિલ્ડિંગ પ્લાન, કાર્પેટ એરિયા, બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ અને બાંધકામની પ્રગતિ જેવી વિગતો ઉપલબ્ધ છે. હવે તેમાં પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ ઉમેરાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.