Ahmedabad Real Estate: અમદાવાદમાં પોતાનું ઘર કે ઓફિસ ખરીદવાનું સપનું જોતા નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી 1 જુલાઈથી શહેરમાં મકાનો અને રિયલ એસ્ટેટના ભાવમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના ક્રેડાઈ (CREDAI) હાઉસ ખાતે મળેલી 400થી વધુ સભ્યોની એક વિશેષ બેઠકમાં બિલ્ડર એસોસિએશન દ્વારા પ્રોપર્ટીમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવવધારાનું ગણિત: ગ્રાહકો પર કેટલો બોજો પડશે?
CREDAI દ્વારા લાગુ કરવામાં આવનાર આ ભાવવધારાને 'ફેઝ-1' એટલે કે પ્રથમ તબક્કો ગણાવવામાં આવ્યો છે. ગ્રાહકો પર એક સાથે મોટો આર્થિક બોજો ન આવે તે હેતુથી ક્રમશઃ ભાવ વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- નવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ હાલમાં જ શરૂ થયા છે તેમાં સીધો 10 ટકાનો ભાવ વધારો ઝીંકવામાં આવશે.
- જૂના પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટનું કામ પૂર્ણાહુતિના આરે છે, તેમાં પ્રોજેક્ટના સ્ટેજ પ્રમાણે આશરે 5 ટકા જેટલો વધારો કરવામાં આવશે.
ક્યારથી લાગુ થશે નવા ભાવ?
CREDAI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 30 જૂન સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ 15 જૂન, 2026 થી જ નવા બુકિંગમાં આડકતરી રીતે તેની અસર શરૂ થઈ શકે છે, જે 1 જુલાઈથી પૂર્ણપણે અમલી બનશે. નોંધનીય છે કે, અગાઉ CREDAI એ 15 મે, 2026 ના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપીને નાગરિકોને વહેલી તકે ઘર ખરીદી લેવા અપીલ પણ કરી હતી.
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો શું છે?
CREDAI ચેરમેન રાજેશ વસવાણી અને પ્રમુખ આલાપ પટેલે આ હાઈલેવલ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ભાવ વધારો નફા માટે નહીં પરંતુ મજબૂરીનો નિર્ણય છે.
- યુદ્ધ અને કાચો માલ: મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે કન્સ્ટ્રકશન રો-મટીરીયલની સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી આયાતી સામગ્રીના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. રો-મટીરીયલના ભાવમાં 20 ટકાથી લઈને 60 ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.
- પ્રોજેક્ટ કોસ્ટમાં ઉછાળો: બાંધકામમાં વપરાતા મુખ્ય મટીરીયલ્સના ભાવમાં 30 ટકાથી 50 ટકા જેટલો ધરખમ વધારો થવાથી ઓવરઓલ પ્રોજેક્ટ કોસ્ટ ખૂબ વધી ગઈ છે.
મજૂરોની ભારે અછત, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ
રો-મટીરીયલ અને બાંધકામ સામગ્રીમાં થયેલા ભાવ વધારા ઉપરાંત, અન્ય રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પરપ્રાંતીય મજૂરો (Migrated laborers) પોતાના વતનમાંથી પરત ફર્યા નથી, જેના કારણે લેબરની ભારે અછત ઊભી થઈ છે. આ અછતના લીધે ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
RERA નિયમો-દંડની બિલ્ડરો પર લટકતી તલવાર
બીજી તરફ, રેરા (RERA) ના કડક નિયમો મુજબ જો નિયત સમય મર્યાદામાં ગ્રાહકોને પઝેશન ન અપાય તો બિલ્ડરોને દંડ ફટકારવાની જોગવાઈ છે. આમ, એક તરફ કાચો માલ મોંઘો થયો છે અને બીજી તરફ કામમાં વિલંબ થવાથી રિયલ એસ્ટેટ વ્યવસાયકારો પર ચારે બાજુથી આર્થિક બોજો આવી પડ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પદયાત્રીઓની સુરક્ષા માટે નવો પ્રયોગ, સી.જી. રોડ પર શરૂ થયું 'પેલિકન' ટ્રાફિક સિગ્નલ
ડેવલોપર્સની સરકાર પાસે રાહતની માંગ
આ કપરી પરિસ્થિતિમાં પ્રજા પર પડનારા આર્થિક ભારણને હળવું કરવા માટે ડેવલોપર્સે રાજ્ય સરકાર સમક્ષ GST, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય કરવેરામાં રાહત આપવાની માંગ કરી છે. આ સાથે જ, રેરા એક્ટમાં રહેલી "ફોર્સ મૅજર" (Force Majeure) ની જોગવાઈને ધ્યાનમાં રાખી, યુદ્ધની પરિસ્થિતિ અને લેબરની અછત વચ્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારી આપવા રેરા ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
