Pelican Signal Ahmedabad: અમદાવાદમાં પદયાત્રીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરના સૌથી વ્યસ્ત વ્યાપારી વિસ્તાર એવા સી.જી. રોડ પર 'મ્યુનિસિપલ માર્કેટ' પાસે પ્રાયોગિક ધોરણે 'પેલિકન' (પુશ-બટન સંચાલિત) ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે.
આ સિગ્નલનું સંચાલન અને દેખરેખ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે, જ્યારે નાગરિકો તેનો ઉપયોગ કરી શકશે. આ પ્રાયોગિક ધોરણના સિગ્નલના અમલીકરણનું બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ અને યોગ્ય જણાશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત મુજબ શહેરના અન્ય વ્યસ્ત અને ટ્રાફિકવાળા સ્થળો પર પણ આવા પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
પેલિકન સિગ્નલ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
પુશ-બટન સુવિધા: પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પગપાળા ચાલતા લોકો માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ પદયાત્રીને રસ્તો ઓળંગવો હોય, ત્યારે તેમણે થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે.
સુરક્ષિત ક્રોસિંગ: બટન દબાવતા જ વાહનો માટેની લાઈટ લાલ (Red) થઈ જશે, જેથી પદયાત્રીઓને રસ્તો ઓળંગવા માટે પૂરતો અને સુરક્ષિત સમય મળી રહેશે.
નાગરિકોને શું અપીલ કરાઈ
AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ નાગરિકોને આ સુવિધાનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ વાહનચાલકોને અપીલ છે કે જ્યારે પેલિકન સિગ્નલ લાલ થાય, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહન થોભાવીને પદયાત્રીઓને સહકાર આપે, જેથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ શિસ્તબદ્ધ અને સુરક્ષિત બની રહે.
