Gujarat Police Operation Childhood Freedom: ગુજરાત પોલીસ દ્વારા ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઈલ્ડહુડ ફ્રીડમ” હાથ ધરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવી શિક્ષણ તરફ વાળવાનો છે.
"બાળક શાળામાં હોય, કામ પર નહીં"
આ અભિયાન “દરેક બાળક શાળામાં હોય, કોઈપણ બાળક કામ પર નહીં” ના સુંદર સૂત્ર હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા DGP) જી.એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે, આ ઝુંબેશ માત્ર રેડ પાડવા પૂરતી સીમિત નથી, પરંતુ મુક્ત કરવામાં આવેલા બાળકોનું યોગ્ય પુનર્વસન કરીને તેમને ભવિષ્યમાં નવી જિંદગી મળે તેવી પાકી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પ્રથમ 14 દિવસમાં જ સઘન કામગીરી
આ અભિયાનના પ્રથમ 14 દિવસમાં જ પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર રાજ્યમાંથી 84 જેટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. બાળકોને મજૂરીએ રાખી ગુનો આચરતા 26 આરોપીઓ સામે કુલ 16 કેસ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મુક્ત કરાયેલા 67 બાળકોનું પુનર્વસન કરાવ્યું છે. વધુમાં, જાગૃતિ લાવવા રાજ્યભરમાં 160 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
કામરેજમાં ફૂટ્યો બાળમજૂરીનો ભાંડો
આ અભિયાન અંતર્ગત સુરત શહેરના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે 'જય અંબે ટેક્સટાઇલ્સ' નામના કારખાનામાં દરોડા પાડીને બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કારખાનાનો માલિક આ માસૂમ બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી એટલે કે 11-11 કલાક કાળી મજૂરી કરાવતો અને જમવા માટે એક કલાકનો જ વિરામ આપતો હતો.
પોલીસની ચોંકાવનારી વિગતોમાં સામે આવ્યું છે કે, આટલી સખત મહેનત કરવા છતાં તેમને રોજ માત્ર રૂપિયા 200 જેટલું જ વેતન આપવામાં આવતું હતું. જો બાળકો કામ કરવાની ના પાડે, તો તેમની સાથે બળજબરી કરીને શારીરિક, માનસિક અને આર્થિક શોષણ ગુજારવામાં આવતો હતો.
ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર પોલીસની નજર
ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ) ADGP અજય ચૌધરીએ જણાવ્યું કે, મોટાભાગે બાળમજૂરીના કિસ્સા ટેક્સટાઇલ યુનિટો, હોટેલ, રાઈસ મિલ અને નાના ઉદ્યોગોમાંથી સામે આવી રહ્યા છે. મુક્ત કરાયેલા ઘણા બાળકો બિહાર અને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હોવાનું ખુલ્યુ છે.
આ માહિતીના પગલે પોલીસ હવે આ કેસોમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસની કાર્યવાહી માત્ર માલિકો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ બાળમજૂરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને આખા સપ્લાય ચેઇન નેટવર્કને પણ તોડી પાડવામાં આવશે.
વ્યાપક સ્તરે રેસ્ક્યુ અભિયાન થશે
પ્રાથમિક વિશ્લેષણ મુજબ, બાળમજૂરો સસ્તા પડતા હોવાથી તેમજ ગરીબી અને સ્થળાંતરના કારણે બાળમજૂરીના કિસ્સા વધે છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસે 50,000 થી વધુ સ્થળોની તપાસ કરી અને 5,000 થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ દૂષણને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ હવે શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકલન કરી રહી છે.
