ગુજરાત સરકારનો મોટો નિર્ણય; હવે તમામ સરકારી યોજનાઓની સમીક્ષા ઓનલાઇન થશે, નવું વેબ પોર્ટલ લોન્ચ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને NIC દ્વારા સરકારી યોજનાઓની સમીક્ષા હવે સંપૂર્ણ ઓનલાઇન અને પેપરલેસ બનશે. જાણો આ નવા વેબ પોર્ટલથી વહીવટમાં કેવી પારદર્શિતા આવશે અને અધિકારીઓ માટે શું ખાસ આયોજન કરાયું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 26 Nov 2026 07:26 PM (IST)Updated: Thu, 26 Nov 2026 07:26 PM (IST)
gujarat-launches-digital-portal-for-government-scheme-evaluation

Digital Gujarat: ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને આગળ ધપાવતા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે વહીવટી કામગીરીમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સંપૂર્ણપણે પેપરલેસ બનાવવા માટે ‘Transforming Survey Ecosystem Web Portal’ વિકસાવવામાં આવ્યું છે.

સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકશ્રીની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી આ પોર્ટલ તૈયાર કરાયું છે. હવેથી યોજનાઓના મૂલ્યાંકનને લગતી આગામી તમામ કામગીરી ઓનલાઇન માધ્યમથી જ થશે.

અધિકારીઓને લોગિન સુવિધા અને દરખાસ્ત પ્રક્રિયા

નવી વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે સચિવાલયના વિવિધ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવ્યા છે. આ અધિકારીઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સમયસર સીધી ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.

દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેને ઓનલાઇન માધ્યમથી નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને મોકલવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી તેમજ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સહિતની આગળની કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર જ પૂર્ણ કરાશે.

રિયલ-ટાઇમ મોનિટરિંગ અને વર્કશોપનું આયોજન

આ વેબ પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે દરખાસ્ત રજૂ થવાથી લઈને અંતિમ અહેવાલ તૈયાર થાય ત્યાં સુધીના દરેક તબક્કાનું રિયલ-ટાઇમ ઓનલાઇન મોનિટરિંગ થઈ શકશે. આ ઉપરાંત, વિવિધ વિભાગોના પ્રતિનિધિ-નોડલ અધિકારીઓને પોર્ટલની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવા માટે 27 નવેમ્બરના રોજ સચિવાલય ખાતે ખાસ વર્કશોપ યોજાશે.

આ ડિજિટલ વ્યવસ્થા અમલમાં આવવાથી વહીવટી સ્તરે સમયનો મોટો બચાવ થશે અને વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી કેટલી અસરકારક રીતે પહોંચી રહી છે તેનું વધુ સચોટ મૂલ્યાંકન શક્ય બનશે.