હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 11:15 AM (IST)Updated: Fri, 23 Oct 2026 11:15 AM (IST)
sugam-digital-gujarat-update-govt-introduces-online-round-seal-on-digital-certificates-and-simplifies-stamp-duty

Sugam Digital Gujarat Update: ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના 21 ઑક્ટોબર, 2026ના પરિપત્ર અનુસાર, ડિજિટલ પોર્ટલ મારફતે આપવામાં આવતા તમામ પ્રમાણપત્રો અને દાખલાઓ પર તે જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત ગોળ સિક્કો (Round Seal) દર્શાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી પ્રમાણપત્ર મેળવ્યા બાદ સિક્કો કરાવવા માટે સંબંધિત કચેરીમાં અલગથી જવાની જરૂરિયાત ઘટાડવાનો માર્ગ મોકળો થશે. ડિજિટલ ગુજરાત 2.0 અંતર્ગત સરકારી સેવાઓને શરૂઆતથી અંત સુધી ડિજિટલ અને કાગળવિહોણી બનાવવાના પ્રયાસોને પણ તે વેગ આપશે.

ડિજિટલ પ્રમાણપત્રથી લઈને અધિકૃત સિક્કા સુધીની પ્રક્રિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હાલમાં ડિજિટલ પોર્ટલ પરથી મળતાં ઈ-પ્રમાણપત્રો પર પ્રમાણપત્ર આપનાર અધિકારીનો ગોળ સિક્કો દર્શાવવામાં આવતો ન હોવાને કારણે અરજદારોને સિક્કો કરાવવા માટે સંબંધિત કચેરીમાં જવું પડતું હતું. આ વધારાની પ્રક્રિયાને કારણે નાગરિકોના સમય અને શ્રમનો વ્યય થતો હતો તથા કામગીરીમાં વિલંબ થવાની સ્થિતિ ઊભી થતી હતી.

આ સમસ્યાના ઉકેલ માટે હવે પ્રમાણપત્રો અને દાખલાઓ પર લાગુ કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર અધિકૃત ગોળ સિક્કો દર્શાવવાની વ્યવસ્થા વિકસાવવામાં આવશે. સિક્કા સાથે પ્રમાણપત્ર મંજૂર કરનાર સક્ષમ અધિકારીની કચેરીની સંપૂર્ણ વિગતો પણ દર્શાવવામાં આવશે.

ડિજિટલ ગુજરાત 2.0ને મળશે વેગ

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સૌથી વધુ જરૂર પડતી અને મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સરકારી સેવાઓની પ્રક્રિયાઓને સરળ બનાવવા ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ‘Digital-by-Default’ અભિગમ અંતર્ગત સેવા વિતરણની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ સ્વરૂપ આપીને ડિજિટલ ગુજરાત 2.0 સાથે સંકલિત કરવાનો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

નાગરિકોને થશે સીધો લાભ

  • સિક્કો કરાવવા માટે કચેરીની વધારાની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે.
  • સમય, મુસાફરી અને શ્રમની બચત થશે.
  • પ્રમાણપત્ર મેળવ્યા પછીની વધારાની ઔપચારિકતાઓ ઘટાડવામાં મદદ મળશે.
  • પ્રમાણપત્ર જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો અને અધિકૃત સિક્કાથી દસ્તાવેજની ઓળખ વધુ સ્પષ્ટ બનશે.
  • ઑનલાઇન સરકારી સેવાઓ વધુ સુગમ બનશે અને કાગળવિહોણા વહીવટને પ્રોત્સાહન મળશે.

અમલીકરણ માટે વિભાગીય સંકલન

જીએડીના પરિપત્ર અનુસાર, સંબંધિત વિભાગોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. વિભાગીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડિજિટલ પોર્ટલ પર જરૂરી ટેક્નિકલ વિકાસ કરીને આ વ્યવસ્થાનો સિસ્ટમમાં અમલ કરવામાં આવશે. આમ, ડિજિટલ ગુજરાત 2.0 અંતર્ગત ઈ-પ્રમાણપત્રો પર અધિકૃત ગોળ સિક્કો દર્શાવવાની આ પહેલ સરકારી સેવાઓમાં નાગરિકોની સુવિધા વધારવા અને બિનજરૂરી વહીવટી પ્રક્રિયાઓ ઘટાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.