Government assistance for horticulture: ગુજરાતના ખેડૂતોની આવક વધારવા અને તેમને પરંપરાગત ખેતીમાંથી બહાર લાવીને વધુ નફાકારક પાકો તરફ વાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકાર ખેડૂતોને 'બાગાયતી ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય' આપી રહી છે.
કયા પાકો પર મળે છે સહાય?
આ યોજના હેઠળ ઉત્તમ ગુણવત્તાના રોપા અને કલમોની ખરીદી પર ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. રાજ્યની આબોહવાને અનુરૂપ ડ્રેગન ફ્રૂટ (કમલમ), ખારેક, લીંબુ, જામફળ, દાડમ અને આંબા જેવા બાગાયતી પાકોના વાવેતર માટે આ યોજનાનો લાભ લઈ શકાય છે.
કેટલી મળશે આર્થિક સહાય?
ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે, પરંતુ સહાયની ટકાવારી અલગ-અલગ વર્ગ મુજબ નીચે મુજબ છે:
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST): આ વર્ગના ખેડૂતોને પ્લાન્ટીગ મટીરીયલમાં મહત્તમ 90% સુધીની સહાય મળવાપાત્ર છે.
- સામાન્ય વર્ગના ખેડૂતો: સામાન્ય વર્ગ માટે આ સહાય 75% સુધી મળી શકે છે. (સરકારના લક્ષ્યાંક મુજબ ફેરફાર શક્ય)
ફળ પાકો મુજબ સહાય અને ધોરણ
- ખારેક (ટીશ્યુ કલ્ચર): પ્રતિ હેક્ટર ખર્ચના 90% અથવા મહત્તમ 1.25 લાખ રૂપિયા સુધીની સહાય.
- ડ્રેગન ફ્રુટ (કમલમ): પ્રતિ છોડ સહાય, વાવેતર અને થાંભલાના ખર્ચ પર સહાય
- અન્ય ફળ પાકો જેમ કે લીંબુ, જામફળ, દાડમ વગેરે માટે 75% થી 90% સુધી
- સહાયની રકમ સરકાર દ્વારા નક્કી કરેલ યુનિટ કોસ્ટ (એકમ ખર્ચ) પર મળવાપાત્ર હોય છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે:
- 7-12 અને 8-અ ની નકલ (જમીનનો ઉતારો)
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
- જાતિનો દાખલો (જો SC/ST વર્ગના હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક
- ખરીદી કરેલ રોપા/કલમોના અસલ જીએસટી (GST) બિલ
કેવી રીતે કરશો ઓનલાઈન અરજી?
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ડિજિટલ પ્રક્રિયા નીચે મુજબ છે:
- સૌ પ્રથમ ગુજરાત સરકારના આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) વેબસાઇટ પર જવું.
- 'યોજનાઓ' વિભાગમાં જઈને 'બાગાયતી યોજનાઓ' પર ક્લિક કરવું.
- ત્યાં 'ફળ પાકોના વાવેતર માટે સહાય' વિકલ્પ શોધીને 'અરજી કરો' પર ક્લિક કરવું.
- જમીન અને પોતાની વ્યક્તિગત વિગતો ભરીને અરજીને સેવ અને કન્ફર્મ કરવી.
- અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી.
- આ પ્રિન્ટ સાથે ઉપર જણાવેલા તમામ જરૂરી દસ્તાવેજો જોડીને તમારી ગ્રામ પંચાયત (VCE) અથવા તાલુકા બાગાયત કચેરી ખાતે જમા કરાવવા.
ખાસ નોંધ: ખેડૂતોએ રોપા કે કલમ સરકારી નર્સરી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી નર્સરીમાંથી જ ખરીદવાના રહેશે. આ ઉપરાંત, અરજી કર્યા બાદ સંબંધિત વિભાગમાંથી મંજૂરી મળે ત્યારબાદ જ વાવેતરની પ્રક્રિયા હાથ ધરવી હિતાવહ છે.
