નવરાત્રી બગડશે કે પરીક્ષા! દશેરા પછી તરત યોજાશે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા, વાલીઓ-વિદ્યાર્થીઓ થયા નારાજ

આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન ઉજવાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 08 May 2026 03:18 PM (IST)Updated: Fri, 08 May 2026 03:18 PM (IST)
gujarat-board-std-9-to-12-exam-schedule-and-navratri-2026-date-conflict
HIGHLIGHTS
  • ગુજરાતમાં પરીક્ષા અને નવરાત્રી વચ્ચે ટકરાવ
  • આ વર્ષે નવરાત્રી 11-19 ઓક્ટોબર દરમિયાન
  • 22 ઓક્ટોબરથી ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા

GSEB Academic year 2026-27 Calendar: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે સાથે જ નવો વિવાદ ઊભો થયો છે. નવા શૈક્ષણિક કેલેન્ડરમાં તમામ પ્રવાહના ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પૂર્ણ થયાના ત્રીજા જ દિવસે એટલે કે દશેરાના પછીના દિવસે યોજવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સખત નારાજગી પ્રવર્તી છે.

પરીક્ષા અને નવરાત્રી વચ્ચે ટકરાવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના કેલેન્ડર અનુસાર, ધોરણ 9થી ધોરણ 12ની પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જ્યારે આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી છે, અને 20 ઓક્ટોબરના રોજ વિજયાદશમી છે. આમ દશેરાના બીજા દિવસથી જ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

પરીક્ષાની તારીખને લઈને સમસ્યા શું?

આ સમગ્ર મામલેકેટલાક શિક્ષકો અને વાલીઓએ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે શિક્ષણ મંત્રી સમક્ષ કરેલી રજૂઆત અનુસાર, આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થાય છે, અને તેનો છેલ્લો દિવસ 19 ઓક્ટોબર છે. જ્યારે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

નવરાત્રી એ રાત્રે ઉજવાતો અને ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે, જેના કારણે રાત્રિના સમયે વાંચન માટે યોગ્ય વાતાવરણ મળતું નથી. તહેવાર પૂર્ણ થયાના માત્ર થોડા જ દિવસમાં 22 ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી કરી શકશે નહીં તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ગત વર્ષેના આયોજન સાથે સરખામણી

ઉલ્લેખનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રથમ પરીક્ષા નવરાત્રી પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે, ચાલુ વર્ષે નવરાત્રી પછી તરત જ પરીક્ષાનું આયોજન હોવાથી, ખાસ કરીને જે વિદ્યાર્થીમાં પરીક્ષા માટેની તૈયારીને લઈને અત્યારથી જ અસમંજસ ઊભી થઈ છે. આપને જણાવી દઈએ કે, નવરાત્રીના દિવસોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખી વેકેશન આપવાની માંગણી વર્ષોથી થતી રહી છે.

શિક્ષકો અને વાલીઓની મુખ્ય માંગણી

  • પરીક્ષાના સમયમાં ફેરફાર: નવરાત્રી 10 દિવસ પહેલા પરીક્ષા યોજવામાં આવે અથવા તહેવાર પછી 10 દિવસના અંતરાલ રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવે.
  • વાર્ષિક પરીક્ષાના સમયપત્રકમાં સુધારો: ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા એપ્રિલના અંતમાં યોજાવાને બદલે માર્ચ મહિનામાં યોજવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ 27 એપ્રિલથી જ ધોરણ 10 અને 12ના નવા શૈક્ષણિક સત્ર માટે પૂર્વ તૈયારી શરૂ કરી શકે.

હાલમાં શિક્ષકો અને વાલીઓ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિના કેલેન્ડરમાં આ જરૂરી ફેરફાર કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ અને તહેવારની ઉજવણી વચ્ચે સંતુલન જળવાઈ રહે.