Gandhinagar: ઇંધણ અને આવશ્યક ચીજવસ્તુનો સપ્લાય જાળવી રાખવા ગુજરાત સરકારનું આયોજન, રાજ્ય-જિલ્લા કક્ષાએ ઉચ્ચસ્તરીય સમિતિની રચના

સંગ્રહખોર અને ખોટી અફવા ફેલાવનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Mar 2026 09:08 AM (IST)Updated: Sun, 29 Mar 2026 09:08 AM (IST)
gujarat-high-level-committee-for-essential-commodities-and-fuel-supply
HIGHLIGHTS
  • ગુજરાતમાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના
  • ઇંધણ અને આવશ્યક ચીજવસ્તુઓ માટે

Fuel and Essential commodities Supply: વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, PNG-LPG ગેસ અને આવશ્યક ખાદ્ય પદાર્થોની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સપ્લાય ચેઈનમાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ જથ્થાબંધ સંગ્રહ (સંગ્રહખોરી), અછત અને કાળાબજાર અટકાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાની અને જિલ્લા કક્ષાની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

રાજ્ય કક્ષાની સમિતિ અને તેનું માળખું

રાજ્ય કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ તેના સભ્ય સચિવ રહેશે. આ 16 સભ્યોની સમિતિમાં મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા, ઉદ્યોગ, ગૃહ, ઉર્જા, પંચાયત જેવા વિવિધ વિભાગના અધિક મુખ્ય સચિવ અને અગ્ર સચિવ ઉપરાંત પોલીસ મહાનિર્દેશક (DGP) અને ઓઇલ માર્કેટિંગ કંપનીના સ્ટેટ લેવલ કોઓર્ડિનેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ રાજ્યમાં રોજબરોજના ઇંધણ, અનાજ, ખાતર અને જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત જાહેર પરિવહનની અવિરત ઉપલબ્ધતા માટે જરૂરી પગલાં લેશે. તેમજ હોસ્પિટલ, PDS (સસ્તા અનાજની દુકાનો) અને જાહેર પરિવહન જેવા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં સપ્લાય સુનિશ્ચિત કરવા આંતર-જિલ્લા હેરાફેરી માટેના દિશા નિર્દેશ આપશે, અને સ્થિતિની દૈનિક સમીક્ષા કરશે.

જિલ્લા કક્ષાની સમિતિ અને જવાબદારી

જિલ્લા કક્ષાએ આ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર અને સભ્ય સચિવ તરીકે જિલ્લા પુરવઠા અધિકારી રહેશે. આ સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, RTO, અને આરોગ્ય અધિકારી સહિતના 11 સભ્યો સામેલ છે.

  • જિલ્લા કક્ષાની સમિતિની મુખ્ય કામગીરી નીચે મુજબ રહેશે:
  • પેટ્રોલ પંપ, ડીઝલ આઉટલેટ્સ, સરકારી ગોડાઉન, હોલસેલર્સ અને સસ્તા અનાજની દુકાનોનું સઘન મોનિટરિંગ કરવું.
  • સંગ્રહખોર, કાળાબજારિયા અને ખોટી અફવા ફેલાવનાર તત્વો વિરુદ્ધ યોગ્ય અને કડક કાર્યવાહી હાથ ધરવી.
  • નાગરિકો દ્વારા બિનજરૂરી ભીડ કે ગભરાટમાં ખરીદી (Panic buying) ન થાય તે સુનિશ્ચિત કરવું અને ઇંધણ તથા અન્ય વસ્તુના વિવેકપૂર્ણ ઉપયોગ માટે જનતાને પ્રોત્સાહિત કરવી.
  • જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરી, દરેક વિભાગ દ્વારા આ સમિતિને દૈનિક રિપોર્ટિંગ કરાવવું અને રાજ્ય કક્ષાએ નિયત સમયે તેની વિગતો મોકલવી.
  • હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોમર્શિયલ LPG/PNG ઉપલબ્ધ કરાવવા જરૂરી પગલાં લેવા.
  • સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી ફેલાતી ખોટી માહિતી પર જનતા વિશ્વાસ ન કરે તે માટે અધિકૃત માહિતી વખતો વખત પ્રસિદ્ધ કરવી.

સરકારના આ સક્રિય પગલાંથી રાજ્યના નાગરિકોને કોઈપણ વિકટ પરિસ્થિતિમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણ સરળતાથી મળી રહે તેવો માર્ગ મોકળો થયો છે, તેમજ બજારમાં કાળાબજારી પર સખત અંકુશ આવશે.