Gandhinagar: ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, 21 IAS પ્રભારી સચિવ બન્યા; 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતી

કુલ 21 IAS અધિકારીને વિવિધ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Mar 2026 11:13 AM (IST)Updated: Sat, 28 Mar 2026 11:13 AM (IST)
gujarat-government-administrative-ias-gas-officers-transfer-and-promotion
HIGHLIGHTS
  • ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય 
  • 21 IAS અધિકારી પ્રભારી સચિવ બન્યા
  • 200થી વધુ અધિકારીની બદલી-બઢતી

Gujarat officers Transfer-promotion: ગુજરાત રાજ્ય સરકારે હાલમાં જ વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 200થી વધુ અધિકારીઓની બઢતી, બદલી અને નિયુક્તિના આદેશ કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકોથી લઈને મહેસુલ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સામાજિક ન્યાય વિભાગમાં આ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

IAS-GAS અધિકારીઓને સોંપાઈ નવી જવાબદારી

જિલ્લા વહીવટને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ, વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી મહેસુલ વિભાગ હેઠળ GAS કેડરના 31 વર્ગ-1 અધિકારીઓની સામૂહિક બદલી કરીને તેમને તાત્કાલિક નવી જગ્યાએ ફરજ સંભાળવા આદેશ આપ્યા છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં મોટા ફેરફાર

ટેક્નોલોજી આધારિત કામગીરીને વધુ ગતિ આપવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT ક્ષેત્રના કુલ 80 અધિકારીઓની બદલી-બઢતી કરવામાં આવી છે. આમાં 41 અધિકારીની બદલી, 5 નાયબ નિયામક કક્ષાના અધિકારીઓને બઢતી સાથે બદલી અને 34 IT અધિકારીઓને બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી છે.

naidunia_image

મહેસૂલ વિભાગમાં અધિકારીઓની બદલી-બઢતી

મહેસુલ વિભાગમાં પણ 12 મામલતદારોની વિવિધ જિલ્લામાં બદલી કરવામાં આવી છે, અને 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ વ્યાપક ફેરફારો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ઉચ્ચ કક્ષાના સચિવ અને IAS અધિકારીની બદલી

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026 ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા છે.

  • બે વરિષ્ઠ એન્જિનિયરોને સચિવ કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં બી.પી. ચોવટિયાને વિજિલન્સ કમિશનમાં સ્પેશીયલ સેક્રેટરી અને સંજયકુમાર રાવને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ડિરેક્ટર (સિવિલ) બનાવાયા છે.
  • IAS અધિકારી સુસ્મિતા એપ્પાલપલ્લીની પંચમહાલ જિલ્લાના હાલોલ પ્રાંત અધિકારી તરીકેથી બદલી કરીને ભાવનગરના મહુવા ખાતે પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 15 સિનિયર ક્લાર્ક અને સામાજિક કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓને ગાંધીનગર, રાજકોટ, મહેસાણા જેવા વિવિધ જિલ્લામાં બઢતી આપી બદલી કરવામાં આવી છે.

13 અધિકારીઓએ પ્રમોશન ન સ્વીકાર્યું

મહેસૂલ વિભાગ દ્વારા એક ચોંકાવનારો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મામલતદાર તરીકે પ્રમોશન મેળવનાર 13 અધિકારીઓએ વ્યક્તિગત કારણોસર પ્રમોશન સ્વીકાર્યું ન હોવાથી સરકાર દ્વારા તેમને ફરી નાયબ મામલતદાર તરીકે રિવર્ઝન ઓર્ડર કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં વહીવટી વ્યવસ્થા જળવાઈ રહે અને ખાલી જગ્યા પર નવી નિમણૂક કરી શકાય તે માટે આ પગલું લેવાયું છે. વિભાગના આદેશ મુજબ તમામ કર્મચારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. આ ફેરફારોથી રાજ્યના વહીવટી તંત્રની ગતિ વધશે અને ચૂંટણી પૂર્વે તંત્ર વધુ સક્રિય બનશે તેવી પૂરેપૂરી સંભાવના છે.